
મહીસાગર જિલ્લામાં ગેરકાયદેસર તબીબી પ્રેક્ટિસ કરતા વધુ એક બોગસ ડોક્ટર અને કમ્પાઉન્ડરને એસઓજી પોલીસે ઝડપી પાડ્યા છે. રેન્જ આઈજી આર.વી.અસારી અને જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી કાર્યવાહીમાં આ સફળતા મળી છે.
એસઓજી પીઆઈ પી.આર.કરેણને મળેલી બાતમીના આધારે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના મોકમજીના મુવાડા મોતીપુરા ગામના રાજેન્દ્રસિંહ જાલમસિંહ સોલંકી અને કમ્પાઉન્ડર અંબાલાલ રાયભણસિંહ ઝાલાને ઈચ્છાના મુવાડા ચોકડી પરથી ઝડપી પાડવામાં આવ્યા હતા. આ બંને શખ્સો કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી કે સર્ટિફિકેટ વગર બીમાર લોકોને તપાસી એલોપેથિક દવાઓ અને ઈન્જેક્શન આપતા હતા.
પોલીસે મેડિકલ ઓફિસર અને ફાર્મસિસ્ટની હાજરીમાં કાર્યવાહી કરી બંને આરોપીઓ પાસેથી ₹12,887ની કિંમતની એલોપેથિક દવાઓ જપ્ત કરી હતી. આ મામલે બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુજરાત રજિસ્ટર મેડિકલ પ્રેક્ટિસ એક્ટ 1963ની કલમ 30 તથા BNSની કલમ 54 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ જિલ્લામાંથી આવા બોગસ તબીબોને પકડી પાડવામાં આવ્યા છે, જેઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા હતા.
