મહિસાગરની માફક પંચમહાલમાં પણ કરોડોની ગેરરીતિ થયેલી “નલ સે જલ”ની કામગીરીની તપાસ કયારે નધરોળ સરકાર કરશે ???

  • હાલોલ, કાલોલ, ગોધરા, શહેરા, મોરવા(હ), અને જાંબુધોડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં યોજના શોભાના ગાંઠીયારૂપ.
  • ભારે ભ્રષ્ટાચારના પગલે મહિસાગરના વાસ્મોના સાગમટે સાત કર્મચારીઓ સામે શિક્ષાત્મક પગલાં
  • શિક્ષાત્મક પગલાંના ધેરા પ્રત્યાધાતો પડોશી પંચમહાલ જીલ્લામાં વર્તાયા.
  • ભ્રષ્ટ કોન્ટ્રાકટરો અને કર્મચારીઓને હયભય કરવાનો મોકળું મેદાન મળ્યું.
  • પ્રજામાં ફરી એકવાર ફિયાસ્કારૂપ બનેલી યોજના ચર્ચાના ચકડોળે ચડી.
  • ધારાધોરણ મુજબની PVC પાઈપના બદલે તકલાદી પાઈપોનો વપરાશ.
  • પોતાની ગેરરીતિ પાઈપ લાઈનના ઓથાહેઠળ દબાવી દેવાઈ.
  • ઠેરઠેર સામગ્રી તુટફુટ થઈ યોજનાનો ફિયાસ્કો થતાં નિષ્ફળ નિવડી.
  • યોજનાનો ફિયાસ્કો થતાં સરકારી નાણાંનો વગર પાણીએ વ્યર્ય થયો હોવાનું ચિત્ર.

ગોધરા, મહિસાગર જીલ્લામાં નલ સે જલ યોજનામાં ભારે ભ્રષ્ટાચારના પગલે સાગમટે સાત કર્મચારીઓ સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જેના ધેરા પડધાં પડોશી જીલ્લામાં વર્તાતા પ્રજામાં ફરી એકવાર ફિયાસ્કારૂપ બનેલી યોજના ચર્ચાના ચકડોળે ચડી છે. કારણ કે, પંચમહાલ જીલ્લામાં એક વર્ષથી તકલાદી કામગીરી હાથ ધરાઈને કરોડો રૂપીયાની ગોલમાલ કોન્ટ્રાકટરો દ્વારા કરવામાં આવી હોવાની સાથે સ્થળ પર રફેદફે અને વેઠ ઉતારું કામગીરી તો કયાંક કાગળ પર કામ હાથ ધરવામાંં આવી હોવાની અવારનવાર ઉઠેલી ફરિયાદો બાદ પણ હજુ પંચમહાલ જીલ્લામાં વાસ્મો કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહેતા ભ્રષ્ટ કોન્ટ્રાકટરો અને કર્મચારીઓને હયભય કરવાનો મોકળું મેદાન મળ્યું હોવાનું ગણગણાટ વ્યાપ્યો હતો.

આઝાદીના 75 વર્ષ બાદ પણ પછાત ગણાતા પંચમહાલ સહિત દેશના અનેક વિસ્તારો પીવાના પાણીની સમસ્યાથી ધેરાયેલા છે. ત્યારે વર્ષ 24-25 દરમિયાન દેશનો એકપણ વિસ્તારના જન જન અને પશુઓ પીવાાના પાણીથી વંચિત ન રહે તેવા આશય સાથે નલ સે જલ યોજના અમલમાં મુકાઈને છેલ્લા ત્રણ વર્ષથી યોજનાના ભાગરૂપ વાસ્મો દ્વારા પંચમહાલ જીલ્લામાં ગામો ગામ કામગીરી હાથ ધરાઈ હતી. સરકારની મહત્વાકાંક્ષી યોજના હોવાના કારણે કેન્દ્ર સરકારે મસમોટું જીલ્લાને બજેટ ફાળવીને ખુલ્લા હાથે ફાળવણી કરવામાં કોઈ કચાસ રાખી નથી. છેલ્લા 3 વર્ષથી ચાલતી કામગીરી દરમિયાન વાસ્મો કચેરીના કર્મચારીઓ અને કોન્ટ્રાકટરોની મીલીભગતથી કોઈપણ જાતના નિયમોને અનુસરવાને બદલે મનધડત વહિવટ કરાયો છે. જેમાં પૈસાની લેતીદેતી કરીને યોજનાનો મકસદ સાકાર કરવામાં આવ્યો નથી. પંચમહાલ જીલ્લાના હાલોલ, કાલોલ, ગોધરા, શહેરા, મોરવા(હ), અને જાંબુધોડા તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં આશરે 70 ટકા કામગીરી પૂર્ણ કરાઈ છે. પરંંતુ સ્થળ ઉપર તપાસ કરતાં મોટાભાગે વેઠ ઉતારું કામગીરી જોવા મળે છે. ધારાધોરણનો ખુલ્લે આમ ભંંગ કરીને પોતાની ગેરરીતિ પાઈપ લાઈનના ઓથાહેઠળ દબાવી દેવામાં આવી છે. હાલમાં ઠેરઠેર અને ધરે ધરે નળ ગોઠવી દીધા છે. પરંંતુ હજુ સુધી પીવાના પાણીના પાઈપ લાઈનના મુખ્ય સ્ત્રોતમાં જોડાણ નહીં અપાતા હાલ શોભાના ગાંઠીયા રૂપ ભાસે છે. અહીં છેલ્લા કેટલાક સમયથી બેરોકટોક પણે પંચમહાલ જિલ્લામાં જળ અને સ્વચ્છતા એકમ હેઠળ ચાલતા કામોમાં કર્મચારીઓ અને ખાનગી એજન્સીઓની મિલીભગતથી ભ્રષ્ટાચાર આચરાયો હોવાની ગંભીર ફરિયાદો તથા આક્ષેપો છેલ્લા ઘણા સમયથી ઉઠી રહ્યા છે. સરપંચ તથા ચુંટાયેલા આગેવાનો દ્વારા અનેક ગંંભીર કરાયેલી રજુઆતો જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે એસ્ટીમેન્ટ મુજબ નક્કી કરેલ ધારાધોરણ મુજબની PVC પાઈપના બદલે તકલાદી પાઈપો નાખવામાં આવી હોવાની બૂમો ઉઠી હતી. ઉપરાંત ગેલ્વોનાઇઝના કોક ના બદલે સાદા પ્લાસ્ટિકના કોક બેસાડી દેવાયા છે. તથા ભૌગોલિક પરિસ્થિતી અનુસાર લેવલીંગ કરવા માટે પૂરતા પ્રમાણમાં ખાડા ખોદવામાં આવ્યા નથી અને માત્ર જમીન ઉપર જ દબાવી દેવામાં આવતાંં સામાન્ય ટ્રેકટર જેવા તથા અન્ય વાહનોની અવરજવરના કારણે ભુગર્ભમાં દબાયેલી તકલાદી પાઈપો તથા ચણતર સામગ્રી તુટફુટ થઈ છે. ગણતરીના દિવસો પર સ્થળ પર જ યોજનાનું કોઈ નામોનિશાન જોવા મળ્યું નથી અને હાલ યોજના બિનઉપયોગી નિવડતા ઇજારદારો અને કર્મચારીઓ દ્વારા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર હાલોલ, કાલોલ, ગોધરા, શહેરા, મોરવા(હ), અને જાંબુધોડા તાલુકામાં થયેલ હોવાનું માલુમ પડતા યોજનાનો પ્રથમ ઘાસે જ ફિયાસ્કો થતાં સરકારી નાણાંનો વગર પાણીએ વ્યર્ય થયો હોવાનું ચિત્ર સ્પષ્ટ જોવા મળે છે. આવી જ સ્થિતી અંગે મહિસાગર જીલ્લામાં રાજકોટ વિભાગની બે ટીમ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં તપાસ હાથ ધરીને સ્થળ મુલાકાતમાં વપરાયેલી સામગ્રી અને સ્થિતી તેમજ જવાબદાર તંત્રના ભ્રષ્ટ અધિકારીઓ વિરૂદ્ધ ક્રોસ ચેકીંગ હાથ ધરતાં કરોડોનો ભ્રષ્ટાચાર આચરાયેલો હોવાનો બહાર આવતાં એક સાથે 7 કર્મચારીઓને સસ્પેન્ડ સાથે બદલી કરી દેવામાં આવતાંં પાણી પુરવઠા વિભાગમાં સન્નાટો વ્યાપી ગયો છે. ત્યારે પંચમહાલ જીલ્લામાં પણ આવી જ વરવી સ્થિતી વચ્ચે અનેક રજુઆતો બાદ પણ રાજ્ય સરકાર અને ભાજપા શાસકો ઘોર નિંદ્રામાં પોળી રહ્યા છે. આથી, પંચમહાલવાસીઓ ઈચ્છી રહ્યા છે કે, આવા ભ્રષ્ટ કોન્ટ્રાકટરો અને ભ્રષ્ટ કર્મચારીઓની મીલીભગતનો તપાસ બાદ પર્દાફાશ કરીને શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

ઉપાઘ્ય જેઠાભાઈ ભરવાડની રજુઆતનુંં ….પાણીના નામે ભૂ ….

તાજેતરમાં શહેરા તાલુકામાં નલ સે જલ યોજનામાં કોઈ સફળ કામગીરી કરવામાં આવી નથી અને કોન્ટ્રાકટરો દ્વારા ભારે ગેરરીતિ આચરવામાં આવી હોવા અંગે સ્થાનિક ધારાસભ્ય અને વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ દ્વારા ખુદ ભાજપા સરકારની કામગીરીની પોલ ખોલીને મુખ્યમંત્રી સમક્ષ ગંભીર રજુઆત કરીને તપાસની ઉગ્ર માંગ કરવામાં આવી હતી. પરંતુ આજે 3 માસ જેટલો લાંબો સમય વિતવા છતાં કોઈ પરિણામ નહીં મળતા રજુઆતનું સૂરસુરીયું થઈને “પાણીના નામે ભૂ…” જેવો ધાટ સર્જાયો છે.

જવાબદારોને છાવરવામાં આવ્યા હોવાની પ્રજામાં ચર્ચા….

જે તે વખતે સ્થાનિક આગેવાનો દ્વારા કોન્ટ્રાકટર દ્વારા કામગીરીમાં મનમાની કરવામાં આવી હોવાની સાથે સ્થળ પર સામગ્રીનુંં નામોનિશાન જોવા ન મળતાં યોગ્ય કાર્યવાહી કરવા અંગે જથ્થા બંધ રજુઆતો થઈ હતી. તાજેતરમાં વ્યાપક પ્રમાણે ઉઠેલી બુમ બાદ કલેકટર, ડી.ડી.ઓ., ગાંધીનગર વાસ્મો, વિજીલન્સ જેવી ટીમોએ ધાડાને ધાડા ઉતરી જઈને તપાસ હાથ ધરી હતી. પરંતુ હજુ સુધી કોઈ પરિણામ ન મળતાં માત્ર દેખાડો જ કરવામાં આવ્યો અને જવાબદારોને છાવરવામાં આવ્યા હોવાનું ફલિત થતું રહ્યુંં હોવાનું ચર્ચાઈ રહ્યું છે.