ગોધરા,
ગોધરા તાલુકાના ટીંબા પાસે પસાર થતી મહીસાગર નદીમાં ત્રણ યુવકો ડૂબ્યા હતા. યુવકો પંચમહાલ જિલ્લાના હાલોલ અને ઘોઘંબા તાલુકાના હતા. જેઓ બાધા માનતા પૂરી કરવા માટે મહીસાગર નદીએ ગયા હતા. જ્યાં તેઓ નદીમાં નાહવા પડ્યા હતા અને ત્રણેય યુવાનો નદીના પાણીમાં ડૂબ્યા હતા. જે પૈકી એક યુવકનું પાણીમાં ડૂબી જતા મોત નીપજ્યું છે. જ્યારે અન્ય બે યુવકોનો આબાદ બચાવ થયો છે. બચી ગયેલા બંને યુવકો હાલ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.
હાલોલ અને ઘોઘંબા તાલુકાના યુવકો પરિવાર સાથે મહીસાગર નદીની બાધા માનતા કરવા માટે ગોધરા તાલુકાના ટીંબા પાસે પહોંચ્યા હતા. જ્યાં મહીસાગર નદીમાં નાહવા પડેલા ત્રણ યુવકો પૈકી એક યુવકનું પાણીમાં ડૂબી જતા મોત નીપજ્યું છે. હાલોલ તાલુકાના અભેટવા ગામના 20 વર્ષીય સુરેશ વિક્રમભાઈનું પાણીમાં ડૂબી જતા મોત નીપજ્યું છે અને અન્ય બે યુવકો 15 વર્ષનો રાજુ વિજયભાઈ અને 17 વર્ષનો પૃથ્વી સંજયભાઈ બચી જતા તેઓને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.ત્રણ યુવકો ડૂબતા સ્થાનિક તરવૈયાઓ એ યુવાનોને બચાવવા નદીમાં કૂદ્યા હતા. તરવૈયાઓ એ બે યુવકોને બચાવીને બહાર કાઢ્યા હતા. જ્યારે અન્ય એક યુવકનો મૃતદેહ હાથ લાગ્યો હતો. બચી ગયેલા બે યુવકોને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. જ્યાં બંનેની સ્થિતિ અને નાજુક હોવાનું જાણવા મળ્યું છે.