ગત જાન્યુઆરી માસમાં મહિસાગર નદીમાં ખનિજ કૌભાંડ સંદર્ભે ગોધરા તાલુકાના ભાજપના રયજી પરમાર સહિત ૯ આરોપીઓને પાંચ દિવસના રિમાન્ડ આપતી કોર્ટ

  • ગાંધીનગર વીઝીલન્સ ટીમના સર્વેમાં ૫૪ કરોડના ખનિજ ચોરી ઝડપાઈ હતી.
  • જીલ્લા સહિતના તંત્ર તથા આગેવાનોની સાંઠગાંઠ આધારે આચરાયેલ કૌભાંડ.
  • ૨૮ ઈસમો પૈકી ગણ્યા ગાંઠયા આરોપીઓને ઝડપતા હજૂ અન્ય ભૂમાફિયાઓ
    પકડથી દૂર.
  • નદીના પટમાં બોગસ પાસ આધારે રાત-દિવસ ખનન પ્રવૃતિ ધમધમતી હતી.

ગોધરા,
ગત જાન્યુઆરી માસમાં મહિસાગર નદીના પટમાં છેલ્લા ઘણા વર્ષોથી ગેરકાયદે રેતી ખનન કરીને સરકારને આર્થિક નુકશાન પહોંચાડનાર ગોધરા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રયજી પરમાર સહિતના નામો ખૂલ્યા હતા. એક અંદાજ મુજબ ૫૪ કરોડની ખનિજ ચોરી કૌભાંડ સંદર્ભે નોંધાયેલ કાંકણપુર પોલીસે મુખ્ય સૂત્રધાર સહિતના ૯ આરોપીઓની ધરપકડ કરીને કોર્ટ સમક્ષ હાજર કરાતા ૫ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવતાં રાજકીય ભૂકંપ સર્જાયો છે.


પંચમહાલ જીલ્લાના ગોધરા શહેર તથા તાલુકાની આસપાસના વિસ્તારોમાંથી પસાર થતી નાની-મોટી નદીઓમાંથી કુદરતી પ્રાપ્ય રેતી તથા અન્ય ખનિજ સંપતિઓ માટેના ટેન્ડર મુજબ કામગીરી હાથ ધરાઈ રહી છે. ખાણ અને ખનિજ વિભાગ દ્વારા પણ આવા સંચાલકોને માન્યતા અપાયેલી છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ ટેન્ડર તથા બોગસ પાસના આધારે ગેરકાયદે પ્રમાણે રેતી સહિતની ખાણખનિજનું ખનન કરવાની ગેરકાયદે પ્રવૃતિ ધમધોકાર ચાલી રહી છે. જીલ્લા તથા સ્થાનિક તંત્રની ઉપરાંત મોટામાથાઓ આ ગેરકાયદે પ્રવૃતિઓ કરનારને સાથ સહકાર આપી રહ્યા છે. આ સાથ-સહકાર આપનાર તંત્ર તથા સ્થાનિક નેતાગીરીની આડમાં ખાણ તથા ખનિજ વિભાગના સર્વે કરતાં વધુ પ્રમાણમાં રેતી ઉલેચવામાં આવી રહી છે. અવારનવાર ફરિયાદો ઊઠવા છતંા તંત્ર ઘોર નિંદ્રામાં પોઢી રહ્યા છે. તો બીજી તરફ આવા ખનન માફિયાઓ દ્વારા રાત-દિવસ મોટી રકમની ખનન કરીને ખિસ્સા ભરી રહ્યા છે. ત્યારે ગત જાન્યુઆરી માસમાં ગાંધીનગર ખાણ અને ખનિજ કચેરીની ફલાઈંગ સ્કવોર્ડ દ્વારા આકસ્મિક રેડ પાડવામાં આવી હતી. જેમાં ૫૪ કરોડ ‚પીયાની ખનિજ સંપતિની ચોરી થઈ હોવાનું બહાર આવતા ખનન માફિયાઓમાં ભાગદોડ મચી ગઈ હતી. આ સંદર્ભે ૨૮ ઈસમો સામે કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. દરમ્યાન કાંકણપુર પોલીસ મથકના પી.આઈ. એચ.એમ.પટેલે આ ખનન ચોરી પ્રકરણમાં તપાસ આધારે ગોધરા તાલુકાના ભાજપના વગદાર નેતા પૂર્વ તાલુકા પ્રમુખ અને એપીએમસીના વાઈસ ચેરમેનત રયજી પરમાર સહિત ૯ વ્યકિતઓની એકસાથે ધરપકડ કરીને તંત્ર એ સપાટો બોલાવ્યો છે.
ધરપકડ બાદ વધુ તપાસ માટે પોલીસે ગોધરા અદાલત સમક્ષ હાજર કરવાની તજવીજ હાથ ધરાઈ હતી. આ ખનિજ ચોરીમાં કોણ કોણ સંડોવાયેલા છે. કઈ રીતે કૌભાંડ પાર પાડયું તેની મહિલા બહાર લાવવા માટે અદાલત સમક્ષ રિમાન્ડની માંગણી કરવામાં આવતા ૫ દિવસ માટે રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યો છે.