ખારોલ,
મહિસાગર જિલ્લાના લુણાવાડા અને ખાનપુર તાલુકામાં છેલ્લા બે વર્ષથી માર્ગ અને મકાન વિભાગ પંચાયતના તાબા હેઠળ કાચા રસ્તાને પાકા ડામરના રસ્તા બનાવવા અને તેના પર રિકાર્પેટિંગની કરાયેલી કામગીરીની ગુણવત્તાને લઈ તપાસ કરવા પુર્વ ધારાસભ્યએ મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત કરી છે.
રાજય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં પાકા રસ્તા બનાવવા માટે અનેક યોજનાઓ અમલમાં મુકી છે પરંતુ આ યોજના હેઠળ રસ્તાના કામોમાં લાલિયાવાડી અને ભ્રષ્ટાાર થયો હોવાની બુમો ઉઠતી હોય છે. કરોડો રૂપિયાનુ આંધણ કરી બનાવાતા રસ્તા ટુંકા ગાળામાં બિસ્માર થઈ જતાં કોઈ તપાસ કે કાર્યવાહી કરાતી નહિ હોવાના આક્ષેપો પણ ગ્રામ્ય જનતા દ્વારા કરાાતા હોય છે. તાજેતરમાં છેલ્લા બે વર્ષ દરમિયાન લુણાવાડા અને ખાનપુર તાલુકાના ગામડાઓમાં બનાવાયેલા પાકા રોડની ગુણવત્તા બાબતે લુણાવાડાના પુર્વ ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરી છે અને તેમાં જણાવ્યુ હતુ કે, આ રસ્તાઓની કામગીરી ગુણવત્તાયુકત થઈ નથી. જેથી તેની કામગીરી માટેના એસ્ટિમેન્ટની ચકાસણી કરી કવોલિટી કંટ્રોલના નમુના લઈ તેની તલસ્પર્શી તપાસ કરાવ્યા બાદ બિલની ચુકવણી કરવામાં આવે. ચોમાસા દરમિયાન ધોવાઈ ગયેલા રસ્તાઓનુ રિકાર્પેટિંગ કરવા ગ્રાન્ટની ફાળવણી કરાઈ હતી. તેમ છતાં આ રસ્તાઓની હાલત દયનીય છે. પુર્વ ધારાસભ્ય દ્વારા કરાયેલા આક્ષેપોને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં કરાતી રસ્તાની કામગીરીને લઈને ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે. જેથી ગ્રામજનો દ્વારા રસ્તાની કામગીરીની તપાસ કરવાની માંગ ઉઠવા પામી છે.