
મહિસાગર, મહીસાગર જીલ્લો જાણે મગરનો મઢ બનતો હોય તેમ ઠેર ઠેર મગર દેખા દે છે. વડોદરા જીલ્લાની જેમ મહીસાગર જીલ્લામાં હવે રહેણાંક વિસ્તારોમાં મગર ઘુસી આવાની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે આજે આવી જ વધુ એક ઘટના બની છે. જ્યાં એક મકાનમાં વિશાળ મગર ઘૂસ્યો હતો. જેને લઈ લોકોમાં નાસભાગ મચી હતી તો સ્થાનિક લોકોના ટોળા પણ ઘટના સ્થળે ઉમટ્યા હતા. સ્થાનિક દ્વારા બનાવ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી હતી.

મહીસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાના સવગઢ ગામે એક ફળીયામાં આવેલ મકાનમાં વિશાલ મગર ઘુસી આવ્યો હતો જેને લઈ નાસભાગ મચી હતી. મગર મકાનમાં ઘૂસ્યો હોવાની જાણ ગામ લોકોને થતા લોકોના ટોળા ઉમટ્યા હતા. ત્યારે સ્થાનિક દ્વારા આ અંગે વનવિભાગને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ મહીસાગર જીલ્લા વનવિભાગ નાયબ વન સંરક્ષક અધિકારી, એન.વી.ચૌધરી અને રેન્જ ફોરેસ્ટ ઓફીસર, એ.એમ.બારીયાની સૂચના અનુસાર વન વિભાગના કર્મચારીઓ અને એનિમલ હેલ્પ ચેરીટેબલ ટ્રસ્ટ સંતરામપુરની ટીમને સાથે લઈ તાત્કાલિક સવગઢ ગામે પોહચી મકાનમાં ઘુસી આવેલ મગરનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ભારે જહેમત બાદ 8 ફૂટ જેટલા લાંબા મગરનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. મગરનું સફળ રીતે રેક્સ્યુ કરવામાં આવતા સ્થાનિક લોકોએ પણ હાશકારો અનુભવ્યો હતો અને મગરને રેસ્ક્યુ કરી દૂર સુરક્ષિત સ્થળે છોડી મુકવામાં આવ્યો હતો.