મહિસાગરમાં દારૂના જથ્થા સાથે રૂપિયા ૯.૫૦ લાખનો મુદ્દામાલ કબજે

લુણાવાડા, મહિસાગરના સંતરામપુર લુણાવાડા હાઈવે પરથી સ્ટેટ મોનિટરીંગ સેલના અધિકારીઓએ કારમાંથી ૧.૪૨ લાખનો દારૂ મળીને કુલ રૂપિયા ૯,૫૨,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ કેસમાં બે શખ્સોની ધરપકડ કરીને ત્રણ ફરાર આરોપીઓની શોધ હાથ ધરી છે.

એસએમસીના અધિકારીઓએ માહિતીને આધારે મહિસાગરના સંતરામપુર લુણાવાડા હાઈવે પર મહિન્દ્રા એક્સયુવી કારમાંથી દારૂનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે કારમાંથી રૂ.૧.૪૧,૪૮૦ નો દારૂ, મહિન્દ્રા કાર, બે મોબાઈલ અને રોકડ રકમ મળીને કુલ રૂ. ૯,૫૨,૦૦૦ નો મુદ્દ્માલ કબજે કર્યો હતો.

આ કેસમાં પોલીસે મૂળ રાજસ્થાનના અને અમદાવાદમાં ઘીકાંટા ખાતે રહેતા માંગીલાલ એમ.દરજી અને રાજસ્થાનના દેવેન્દ્રસિંહ એન.ચૌહાણની ધરપકડ કરી હતી. જ્યારે દારૂનો જથ્થો કારમાં ભરી આપનારા ચીન્ટુ ઉર્ફે બાના ચૌહાણ અને નડિયાદ ખાતે દારૂ લેવા આવનારા અજાણ્યા શખ્સ વિરૂધ ગુનો નોંધીને તેમની શોધ હાથ ધરી છે.