મહીસાગરમાં ચૂંટણી સુરક્ષા માટે 500થી વધુ પોલીસ તૈનાત:98 બુથ પર એસઆરપી, QRT અને હથિયારધારી જવાનોની ખડેપગે ફરજ,4 આંતરરાજ્ય બોર્ડર ચેકપોસ્ટ પર ચુસ્ત બંદોબસ્ત

મહીસાગર જિલ્લામાં આવતીકાલે યોજાનારી ત્રણ નગરપાલિકા અને એક તાલુકા પંચાયતની ચૂંટણી માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયાના બંદોબસ્ત ને લઇ મહિસાગર જિલ્લા પોલીસવાળા જયદીપસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જિલ્લાની બાલાસિનોર, સંતરામપુર અને લુણાવાડા નગરપાલિકા તેમજ ખાનપુર તાલુકા પંચાયતની બેઠક માટે યોજાનારી ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા વ્યાપક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

48 બિલ્ડિંગમાં આવેલા 98 મતદાન બુથને સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. દરેક બુથ પર એસઆરપી અને સ્થાનિક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. PSI, PI, DySP અને SP સ્તરે સુપરવિઝનની વ્યવસ્થા કરવામાં આવી છે. ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) સતત પેટ્રોલિંગ કરશે જેથી લોકો નિર્ભયતાથી મતદાન કરી શકે.

રાજસ્થાન સરહદને અડીને આવેલા આ જિલ્લામાં ચાર બોર્ડર ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે, જ્યાં 24 કલાક હથિયારધારી પોલીસનું મોનિટરિંગ ચાલુ રહેશે. 21 જાન્યુઆરીથી અમલી બનેલી આચારસંહિતા દરમિયાન 6 તડીપારના કેસો નોંધાયા છે. પ્રોહિબિશનની કામગીરીમાં ₹60,000નો દેશી દારૂ અને ₹10 લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો છે. સમગ્ર જિલ્લામાં 300થી વધુ અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે.