મહીસાગર જિલ્લમાં ધોધમાર : લુણાવાડામાં પાંચ ઇંચ વરસાદ નીચાણવાળા વિસ્તારોમાં ઢીંચણ સમા પાણી : લુણાવાડાના કોઠંબાના માખલીયા ગામે બે બાળકો તળાવમાં ડૂબતા મોત.

હવામાન વિભાગની આગાહી મુજબ મહીસાગર જિલ્લામાં ગત મધ્યરાત્રિથી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. જે બાદ વહેલી સવારથી વરસાદે જોર પકડ્યું હતું અને દિવસ દરમિયાન જિલ્લામાં અનરાધાર વરસાદ ખાબક્યો છે. જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો પાણી ભરાયા છે. જ્યારે ભારે વરસાદના કારણે કેટલાક નદી-નાળા છલકાયા છે. તો કેટલાક નદી તળાવોમાં નવા નિરની આવક નોંધાઈ છે.

લુણાવાડામાં ધોધમાર પાંચ ઇંચ વરસાદ વરસતા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઢીંચણ સમા પાણી વહ્યા હતા. જ્યારે જિલ્લાના વીરપુરમાં પણ પાંચ ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જ્યારે વીરપુરમાંથી પસાર થતી લાવેરી નદીમાં ઘોડાપુર આવ્યું છે અને નદી પરના બે કોઝવે પર પાણી ફરી વળ્યાં છે. જેના કારણે વીરપુરથી આસપાસના ગામડાના માર્ગ બંધ થયા છે. તો વીરપુર લીંબડીયા માર્ગ પર દરગાહ પાસેના પુલને અડીને પાણી વહી રહ્યું છે. જેથી દરગાહ તરફ જવાનો રસ્તો બંધ થયો છે.

લુણાવાડામાં વહેલી સવારથી અત્યાર સુધી પાંચ ઇંચ વરસાદ વરસતા રસ્તાઓ પરથી જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. લુણાવાડાના માંડવી બજાર, હાટડિયા બજાર, હુસેની ચોક વિસ્તાર, દરકોલી દરવાજા, વરધરી રોડ, જયશ્રીનગર સોસાયટી, લુણાવાડા-ગોધરા હાઇવે માર્ગ સહિતના અનેક જે નીચાણવાળા વિસ્તારો છે. તેમાં ઢીંચણસમાં પાણી ભરાયા હતા. રસ્તા ઉપર પાણી ભરાવાના કારણે પસાર થતા રાહદારીઓ, વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

લુણાવાડા શહેરમાં ભારે વરસાદ વરસતા અનેક દુકાનોમાં પણ વરસાદી પાણી ઘુસ્યા હતા. ધોધમાર વરસાદ વરસવાના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે. જ્યારે શહેરના ફુવારા ચોક વિસ્તારમાં પાણીના તેજ પ્રવાહના કારણે ડુંગર વિસ્તારમાંથી માટીનું પણ ધોવાણ થઈ અને રસ્તા ઉપર માટી અને પથ્થર તણાઈને આવ્યા હતા.

આજે સપ્તાહનો પહેલો દિવસ છે. ત્યારે ચાલુ દિવસે નોકરિયાત વર્ગ તેમજ શાળાએ જતા બાળકો અને વહેલી સવારે ધંધાર્થે જતા લોકો વરસાદમાં અટવાયા હતા. ધમાકેદાર મેઘરાજાની બેટિંગમાં લુણાવાડા શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.

લુણાવાડા વીરપુરની સાથે જિલ્લાના અન્ય તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી જ જિલ્લામાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં ખાનપુર તાલુકાના નરોડા ગામે વહેલી સવારે ભારે વરસાદ વરસતા ગામમાંથી નદીઓ વહેતી હોય તેવા દૃશ્યો સર્જાયા હતા અને દૂધની ડેરી પર દૂધ ભરાવા જતા લોકો અટવાયા હતા. જોકે હાલ વરસાદે વિરામ લીધો છે.

જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ?
લુણાવાડા, વીરપુરમાં 5 ઇંચ, સંતરામપુરમાં 3 ઇંચ, કડાણા, ખાનપુર અને બાલાસિનોરમાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં ભારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે.

લુણાવાડા તાલુના કોઠંબા વિસ્તારના માખલીયા ગામે બે બાળકો તળાવમાં ડૂબતા મોત

મહીસાગર જિલ્લામાં મેઘરાજા મહેરબાન બન્યા છે જેને લઈ જિલ્લાના તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વરસાદના કારણે લુણાવાડા તાલુકા શહીદ ગ્રામ્ય વિસ્તારોમાં નદી તળાવમાં નવા નીર આવ્યા છે લુણાવાડામાં પાંચ ઇંચ વરસાદ પડતા કોતર સહિત ખેતરો પણ બેટમાં ફેરવાઈ ગયા છે ત્યારે લુણાવાડા તાલુકાના માખલીયા ગામે ધોરણ 6 અને ધોરણ 9 માં અભ્યાસ કરતા બે બાળકો ભારે વરસાદના કારણે તળાવમાં ડૂબી ગયા છે મળતી વિગતો અનુસાર માખલીયા ગામના વતની રોનક અરવિંદભાઈ ઉમંર 14 તેમજ વિક્રમ ઉદેસિંહ ઉંમર 12 જેઓ મોરંગીયા તળાવ માં નાહવા ગયેલ હતા તેઓ તે તળાવ માં નાહવા પાડતા ભારે વરસાદ ના કારણે ઉંડા તળવા ખેચાયા હતા જેનાં પગલે તેઓ વધૂ પાણી પી જતાં તેઓ ના મોત નીપજ્યા છે ત્યારે માખલિયા ગામના બે આશાસ્પદ યુવાનો ના પાણી મા ડૂબી જતાં મોત થાત ગામમાં આખું શોકમગ્ન થયું છે બીજી તરફ આ ઘટના માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો કહી શકાય.