- મહિસાગરના અલદરીના ધોધમાં 2 યુવાન ડૂબ્યા
- ખાનપુરના વાવકુવા ગામની ઘટના
- ગ્રામજનોએ શોધખોળ હાથ ધરી
મહિસાગર જિલ્લાના ખાનપુર વિસ્તારમાં આવેલા અલદરીના ધોધમાં 2 યુવાન ડૂબ્યાં હોવાની ઘટના પ્રકાસમાં આવી છે. જે યુવાનો અમદાવાદના હોવાનું સામે આવ્યુ છે.આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર સ્ટાફ, તાલુકા વિકાસ અધિકારી અને પોલીસ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
તાલુકા વિકાસ અધિકારી અને પોલીસ ઘટનાસ્થળે
મહિસાગરના ખાનપુર તાલુકામાં દુર્ઘટના ઘટના સામે આવી છે. આ અંગે જાણવા મળતી વિગત અનુસાર અમદાવાદથી પણ કેટલાંક લોકો મહિસાગર જિલ્લાના ખાનપુર વિસ્તારમાં આવેલા અલદરીના ધોધ ખાતે ફરવા ગયા હતા.આ દરમિયાન બે યુવકો આ ધોધના પ્રવાહમાં ન્હાવા પડ્યા હતા. જે કોઈ કારણોસર ધોધના જળ પ્રવાહમાં તણાયા હતા અને ડૂબ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. બે યુવકો ડૂબ્યા હોવાની જાણ થતાં આસપાસના લોકો દોડી ગયા હતા અને આ મામલે પોલીસ અને ફાયર વિભાગને કરવામાં આવી હતી. જે બાદ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યાં ગુમ યુવાનોની શોધખોળ હાથ ધરી છે.
રવિવાર હોવાથી સહેલાણીઓની ભીડ જામી હતી
મહત્વનું છે કે ખાનપુર તાલુકામાં આવેલા અલદરીના ધોધ આ વિસ્તારમાં વિખ્યાત હોવાથી મોટાભાગે સહેલાણીઓ ન્હાવાની અને નજારો જોવાની મજા માણવા આવી રહ્યા છે. તેમાં પણ હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને આજે રવિવાર હોવાથી અહીં સહેલાણીઓની પણ ભીડ જોવા મળી હતી. તેવામાં આજે દુર્ઘટના સર્જાતાં ઉહાપોહ મચી ગયો છે.