- જીલ્લા કલેકટરની વિશેષ ઉપસ્થિતીમાં જીલ્લા પંચાયત લુણાવાડા ખાતે જીલ્લા કક્ષાની ” અન્ન” મિલેટ્સ વાનગી સ્પર્ધા યોજાઇ.
- આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા અન્નમાંથી વિવિધ પોષ્ટિક વાનગીઓ બનાવવામાં આવી, જીલ્લા તંત્ર દ્વારા તેમને નંબર આપી સન્માનિત કરાયા.
મહીસાગર, સમગ્ર વિશ્ર્વ વર્ષ-2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ તરીકે ઉજવી રહ્યું છે, ત્યારે મહીસાગર જીલ્લા કલેક્ટર ભાવિન પંડ્યા અને જીલ્લા વિકાસ અધિકારી સી એન પટેલના સંયુક્ત માર્ગદર્શન અને જીલ્લા આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર દક્ષાબેન તબિયારના નેતૃત્વમાં જીલ્લામાં આઈ. સી. ડી. એસ. મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત જીલ્લા પંચાયત ખાતે જી-20ની થીમ સાથે જીલ્લા કક્ષાની ” અન્ન” મિલેટ્સ વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય હેતુ છેવાડાના લોકો સુધી મિલેટ્સના ઉપયોગ અને તેના ખોરાકમાં રહેલા પોષકતત્વો અંગે જાગૃત્તતા ફેલાય અને લોકજીવનમાં રોજિંદા ખોરાકમાં સમાવેશ થાય તેવો રહેલો છે.
આ સ્પર્ધામાં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા વિવિધ વાનગીઓ બનાવીને લાવવામાં આવી હતી. જેવી કે જુવારના પુડા-દલીયા-સુખડી, રાગી ઢોસા, રાજગરાના લોટ માંથી લાડુ, વિવિધ ધાન્યના થેપલા, બાજરીના લાડુ-વડા-થેપલા વગેરે. અઘિકારીઓ અને પ્રતિનિધિઓએ મિલેટ્સ વાનગી સ્પર્ધામાં હાજર રહીને પાકોના મહત્વ, ઉપયોગિતા અને ફાયદાઓ અંગે માહિતીથી અવગત કરાવ્યા હતા. તેમજ વાનગીઓનું નિદર્શન કરવા જીલ્લા કક્ષાના અધિકારોઓને આમંત્રિત કરી વાનગી સ્પર્ધાનું નિરીક્ષણ કરી પ્રથમ દ્રિતીય અને તૃતીય નંબર આપી આંગણવાડી બહેનોને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ સ્પર્ધામાં ટ્રેની આઈએએસ મહેક જૈન, જીલ્લા શિક્ષણ અધિકારી અવનીબા મોરી, નાયબ જીલ્લા વિકાસ અધિકારી જે.એસ.પટેલ તથા જીલ્લા કક્ષાના અન્ય અઘિકારીઓ, પ્રતિનિધિઓ, સીડીપીઓ, સુપરવાઈઝર, આંગણવાડી કાર્યકર, ICDS તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.