મહિસાગર,ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા વહીવટી તંત્ર મહીસાગરના સંયુક્ત ઉપક્રમે નારી અદાલતની સમજ તેમજ મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક યોજનાઓની જાણકારી આપી શકાય તે હેતુસર કે.એમ.દોશી હાઈસ્કૂલ, બાકોર – પાંડરવાડા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ડામોરની ઉપસ્થિતિમાં નારી સંમેલન-2023 યોજવામાં આવ્યું હતું.
આ પ્રંસગે જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ડામોરે જણાવ્યુ હતું કે, વિશ્ર્વની અડધી જન સંખ્યા મહિલાઓની છે. સામાજિક રાજકીય ઔદ્યોગિક શિક્ષણ અને અન્ય ક્ષેત્રે આજે મહિલાઓ અગત્યની ભૂમિકા ભજવી રહી છે. વિજ્ઞાન, ટેકનોલોજી, સંગીત, કળા અને સાહિત્ય એમ વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ પહેલા કરતા વધુ આગળ આવી રહી છે. અવકાશ સંશોધન અને રમત ગમત જેવા ક્ષેત્રોમાં પણ મહિલાઓએ પોતાની ક્ષમતા પુરવાર કરી બતાવી છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, બેટી બચાવો, બેટી વધાવો અભિયાન, ક્ધયા કેળવણી રથયાત્રા, સરસ્વતી સાધન સહાય યોજના મુખ્યમંત્રી મા અમૃતમ યોજના, વીમા કવચ યોજના, ક્ધયાઓ માટે રાજ્યમાં નિ:શુલ્ક શિક્ષણ વગેરે જેવા યોજનાકીય લાભો થકી દેશના અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં મહિલાઓની બહેતર સ્થિતિનું નિર્માણ કરવામાં ગુજરાત સરકારની શ્રેષ્ઠતા અને કર્મઠતા આપણી નજર સામે છે. ગુજરાત સરકારે મહિલાઓને પોલીસ ભરતી સહિતની તમામ સરકારી નોકરીમાં 33 ટકા, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 50 ટકા નેતૃત્વ સહિતના મહત્વના લાભોનો અમલ પણ વ્યવસ્થિત થાય તે સુનિશ્ર્ચિત કર્યુ છે.
આ પ્રસંગે લુણાવાડા પૂર્વ ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવક અને કાળુભાઈ માલીવાડ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યુ હતું.
નારી સંમેલન કાર્યક્રમમા જિલ્લા કલેટર ભાવિન પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી કે.ડી.લાખણી, મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃતિ ચેરમેન મધુબેન ધામોત, મામલતદાર ખાનપુર, તાલુકા વિકાસ અધિકારી ખાનપુર સહિત મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા.