મહીસાગર જિલ્લા ભાજપના નેતા અને પત્નીની તીક્ષ્‍‍ણ હથિયારથી હત્યા, લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળ્યા

રાજ્યમાં હત્યાના બનાવો વધી રહ્યા છે, તેવામાં મહીસાગર જિલ્લામાં ભાજપ નેતા અને તેમની પત્નીની હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટનાથી વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મહીસાગર જિલ્લાના પાલ્લા ગામના ભાજપના કારોબારી સભ્ય ત્રીભોવનભાઈ પંચાલ અને તેમના પત્નીની અજાણ્યા લોકોએ ગત મોડી રાત્રે હત્યા કરી નાખી છે. બનાવને પગલે જિલ્લાભરના ભાજપના સભ્યો અને આગેવાનો બનાવ સ્થળે દોડી ગયા છે. આ ઘટના સંદર્ભે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આદેશ આપ્યા છે. પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી છે. અજાણ્યા શખ્સો દંપત્તીની હત્યા કરીને ફરાર થયા છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે ભાજપના કારોબારી સભ્ય ત્રીભોવનભાઈ પંચાલ અને તેમના પત્નીને અજાણ્યા શખસો દ્વારા બંનેની હત્યા માથામાં પાઈપ અથવા તીક્ષ્‍ણ હથિયારના ઘા મારીને કરવામાં આવી છે. પોલીસે આ મામલે ડૉગ સ્ક્વૉડ અને એફએસએલની મદદ લીધી છે. ગામના લોકોને દંપતીની હત્યા થયાની જાણ સવારે થઈ હતી.આ ઘટના સંદર્ભે ગામ લોકોનું કહેવું છે કે ત્રીભોવનભાઈ ખૂબ જ શાંત સ્વભાવના હતા. તેઓ બીજેપીના જૂના કાર્યકર છે. તેમનું કોઈ દુશ્મન ન હોઈ શકે. આથી હત્યા શા માટે કરવામાં આવી તે કારણ મહત્વપૂર્ણ બની ગયું છે.

બીજી બાજુ ગૃહરાજ્ય પ્રધાનનું હિંમતનગર ખાતે યોજાયેલ કિસાન સૂર્યોદય યોજનામાં ભાજપ નેતા અને તેમની પત્નીની હત્યા મામલે એક નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, મહિસાગરના પાલ્લા ગામે થયેલ હત્યા બાબતે આરોપીઓને પકડવા સ્થાનિક પોલીસ વડાને સૂચન કરવામાં આવ્યું છે. પંચાલ સમાજના આગેવાન અને ભાજપ નેતા અને એમના પત્નીની થયેલ હત્યા બાબતે તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. એલસીબી, એસઓજી અને પોલીસની અલગ અલગ ટીમો બનાવી તપાસ કરવા આદેશ આપ્યા હોવાનું પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે.