મહીસાગર જિલ્લામાં ધન્વંતરી તથા સંજીવની રથ દ્વારા લોકોને ઘરઆંગણે આરોગ્યની સેવા આપતું આરોગ્ય તંત્ર

લુણાવાડા,
સમગ્ર મહીસાગર જિલ્લામાં કોવિડ૧૯ની મહામારીની બીજી લહેરના કારણે કોરોના દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આ કોરોના વાયરસ ને નિયંત્રણમાં રાખવા માટે વહિવટી તંત્ર દ્વારા જનહિતમાં આરોગ્યલક્ષી વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. નોવેલ કોરોના વાયરસ કોવિડ૧૯ની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઈ મહીસાગર જિલ્લામાં વધતાં જતાં કોરોના સંક્રમણને અટકાવવા માટે તેમજ આ સમય દરમ્યાન પણ રોગચાળા અટકાયત કામગીરી માટે આરોગ્ય તંત્ર સતત કાર્યરત છે. આરોગ્ય વિભાગ મહીસાગર દ્વારા ગામડાઓમાં અને નગર વિસ્તારમાં ધન્વંતરી રથ ૨૧ તથા સંજીવની રથ ૧૭ મળી કૂલ ૩૮ મોબાઈલ રથ મારફત આરોગ્યલક્ષી સેવા આપવામાં આવી રહી છે.

આ ધન્વંતરી રથમાં આર.બી.એસ.કે ડોકટર અને તેમની સાથે પેરામેડીકલ ટીમ દ્વારા ગ્રામ્ય અને નગર વિસ્તારમાં સરકારના આરોગ્ય સેતુ એપ દ્વારા નોંધાયેલ વિસ્તાર, હાઈરીસ્ક અને લો-રીસ્ક એરીયામાં રહેતા લોકોના આરોગ્યની તપાસણી કરવામાં આવે છે. જેમાં થર્મલગન થી શરીરનું તાપમાન માપવામાં આવે છે. અને પલ્સ ઓક્સીમીટર વડે લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ માપવામાં આવે છે. તથા બ્લડ પ્રેશર પણ માપવામાં આવે છે. જ‚ર જણાય તેવા દર્દીને સ્થળ પર જ દવા અને આરોગ્ય સારવાર આપવામાં આવે છે.
જિલ્લામાં સંજીવની રથ ૧૭ ફાળવવામાં આવેલ છે. જેમાં એક આયુષ મેડિકલ ઓફિસર, એક ફીમેલ હેલ્થ વર્કર અથવા મલ્ટીપર્પજ હેલ્થ વર્કર દ્વારા કોરોના પોઝિટિવ દર્દીની મુલાકાત લઈ તેના આરોગ્યની સતત દેખભાળ રાખવામાં આવે છે. તપાસ દરમ્યાન જો કોઈ દર્દીની તબિયત ગંભીર જણાય તો તુરંત તેમને કોવિડ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવે છે.
૧લી એપ્રિલ થી ૧૯મી એપ્રિલ-૨૦૨૧ સુધીમાં ધન્વંતરી રથ દ્વારા ૩૧૭૮૧ ઓ.પી.ડી. કરવામાં આવી છે જેના દ્રારા લોકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી જેમાં ૫૪૫ તાવના કેસ, ૭૮૭ શરદી ઉધરસ ના કેસ ડાયાબીટીસના ૨૪૫ કેસ,હાઇપરટેન્સનના ૨૭૬ કેસની તપાસ કરી સારવાર આપવામાં આવી હતી. સાથે ૪૦૭૧ જેટલા રેપીડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત ઈમ્યુનીટી વધારે તેવી આયુર્વેદીક તેમજ હોમીયોપેથિક દવાનુ વિતરણ તેમજ ઉકાળાનુ વિતરણ સ્થળ પર જ કરવામા આવે છે. લોકોમાં કોરોના રોગ અટકાયત અન્વયે જનજાગૃતિના ભાગ સ્વ‚પે લોકોને માસ્ક ફરજીયાત પહેરવુ, સામાજિક અંતર જાળવવુ , ભીડભાડ વાળી જગ્યાએ જવાનુ ટાળવુ વગેરે બાબતે જાણકારી આપવામાં આવે છે.
મહીસાગર જિલ્લા ગ્રામ્યની જનતાને આરોગ્ય સેવાઓ પુરી પાડવા માટે ધન્વંતરી રથની ટીમ સદાય કટિબધ્દ્ધ છે. તેથી કોઈપણ વ્યક્તિને તાવ, શરદી ઉધરસ જેવા લક્ષણો જણાય તો તુરંત તમારા વિસ્તારમાં આવતા ધન્વંતરી રથમાં તપાસ કરવી સારવાર અચૂક લેવા આરોગ્ય તંત્ર દ્વારા ખાસ આપીલ કરવામાં આવે છે.