
મહીસાગર જિલ્લાના બાલાસિનોર હાઇવે પર એક જ પરિવારના 3 લોકોને ટ્રકે અડફેટમાં લેતા મોત.
મહિસાગર જિલ્લાના બાલાસિનોર બસ સ્ટેશન આગળથી પસાર થતા હાઇવે રોડ પર ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોને ટ્રક ડ્રાઈવરે કચડી નાખ્યાં હતાં. બસ સ્ટેશન આગળના રોડ પરથી પસાર થતી એક માલવાહક ટ્રક અને બાઈકનો અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રક નીચે બાઇક આવી જતાં બાઇક સવાર પતિ-પત્ની અને તેમના એક ત્રણ વર્ષના બાળકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
એક ભૂલ, ત્રણ મોત ટ્રકનું ટાયર આખા પરિવાર પર ફરી વળ્યું ને એક જ ઝાટકે આખો પરિવાર મોતને ભેટી ગયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર પરિવાર દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના થેડકા ગામનો વતની હોવાનું હાલમાં માલુમ પડ્યું છે. તેઓ અમદાવાદ તરફ મજૂરી કામ અર્થે જઈ રહ્યા હોવાનું પ્રાથમિક માહિતીમાં માલુમ પડ્યું છે.
ત્રણને કચડી ટ્રક ડ્રાઈવર ફરાર ત્યારે સમગ્ર ઘટનામાં હાલ ટ્રક ચાલક સ્થળ પર જ ટ્રક મૂકીને ફરાર થઇ ગયો છે. ત્યારે બાલાસિનોર પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર બનાવ અંગેની તપાસ હાથ ધરી છે અને ત્રણેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે બાલાસિનોરની સરકારી હોસ્પિટલમાં લઈ જવાની તજવીજ હાથ ધરી છે.