મહિસાગર,લોકસભાની સામાન્ય ચૂંટણીનું ગુજરાત રાજ્યમાં 7 મી મે 2024ના રોજ મતદાન થવાનું છે ત્યારે મહીસાગર જિલ્લામાં મહત્તમ મતદાન થાય અને આંગણે આવેલા આ લોકશાહીના અવસરમાં મતદારો ઉત્સાહભેર સહભાગી બને તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટર શ્રીમતી નેહાકુમારીના માર્ગદર્શનમાં મતદાર જાગૃતિ અને તેના પ્રચાર પ્રસાર માટે નવતર પહેલ સમાન કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જેને વ્યાપક પ્રતિસાદ પણ મળી રહ્યો છે
ત્યારે લુણાવાડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લાની એન.આર.એલ.એમ. યોજનાના સ્વ સહાય જૂથ, આઈ.સી.ડી.એસ. વિભાગ, જીલ્લા બાલ સુરક્ષા વિભાગ અને આરસેટી (બેન્ક ઓફ બરોડા)ની બહેનો દ્વારા મતદાર જાગૃતિ માટે ગરબા મહોત્સવ, મહેંદી અને રંગોળી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જાણીતા કલાકાર બહાદુર ગઢવીએ મારી મહીસાગરની આરે ઢોલ વાગે સે પ્રચલિત ગરબાને મતદાન જાગૃતિનો ગરબો બનાવી અદભૂત પ્રસ્તુતિ કરી હતી. આ ઉપરાંત ટીમલી, રેલગાડી જેવા વિવિધ સ્ટેપ્સમાં બહેનોએ ઉમંગભેર જોડાઈ હતી.
ગરબાના ઉર્જાસભર કાર્યક્રમમાં જિલ્લા કલેકટર શ્રીમતી નેહાકુમારી જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી એલ પટેલ, ડીઆરડીએ નિયામક શ્રી સહીત વિવિધ વિભાગના અધિકારીઓએ પણ જોડાઈને રંગ જમાવ્યો હતો. આ કાર્યક્રમમાં મતદાર જાગૃતિ પ્રતિજ્ઞા, સિગ્નેચર કેમ્પેઇન અને પ્રથમ વખત મત આપનાર મતદાતાઓએ મતદાર જાગૃતિના સુત્રોથી સમગ્ર વાતાવરણ ગુજ્વ્યું હતું.