મહીસાગર જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના કાર્યક્રમમાં સ્વાગતના બહાને મંત્રીની નજીક પહોંચવાનો કર્યો પ્રયાસ

લુણાવાડા,

સમગ્ર ગુજરાતમાં રેકોર્ડબ્રેક વિજય મેળવી 156 વિધાનસભા બેઠક પર ભાજપનો વિજય થયો છે. ત્યારે મહીસાગર જિલ્લામાં સંતરામપુર વિધાનસભા બેઠક પર વિજેતા કુબેરભાઈ ડીંડોરને નવી સરકારમાં કેબિનેટ કક્ષા શિક્ષણ મંત્રી બનાવાતા સમગ્ર જિલ્લામાં ખુશીનો માહોલ છે. ત્યારે આવા માહોલમાં પક્ષ વિરોધી પ્રવુત્તિ બદલ ભાજપ માંથી દૂર કરાયેલા કેટલાક હોદ્દેદારો મહીસાગર જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના શિક્ષણ મંત્રીના સ્વાગત કાર્યક્રમમાં જોવા મળતા સ્વાગતના બહાને મંત્રીની નજીક પહોંચવાનો પ્રયાસ કર્યો હોવા અંગે ચર્ચાનો વિષય બન્યો છે.

તાજેતરમાં વિધાનસભા ચૂંટણી યોજાઇ જેમાં મહીસાગર જિલ્લાની લુણાવાડા વિધાનસભા બેઠક પર જૂનો પંચમહાલ જિલ્લા હતો. ત્યારે અને મહીસાગર જિલ્લા નવો બન્યા બાદ બે ટર્મ જિલ્લા ભાજપ પ્રમુખ રહી ચૂકેલા જે.પી.પટેલ કે જેઓ રાજય આચાર્ય સંઘના પ્રમુખ પણ છે તેમણે ભાજપ પક્ષ છોડી અપક્ષ ઉમેદવારી નોંધાવતા ભાજપને લુણાવાડા બેઠક ગુમાવવાનો વારો આવ્યો હતો. જે.પી.પટેલ શિક્ષણ ક્ષેત્રના અગ્રણી હોવાથી ભાજપે પ્રચારમાં પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને પણ ઉતાર્યા હતા અને પક્ષ એ માતા સમાન છે અને માતાની સાથે દ્રોહ કરનારને માફ કરવામાં નહીં આવે તેવો સ્પષ્ટ સંદેશ પાઠવ્યો હતો. તો વળતો પ્રહાર કરતાં જે.પી.પટેલે પણ મોદી આવે કે યોગી આવે, રૂપાલા આવે કે વાઘાણી આવે કોઈ ફેર પડવાનો નથી. તેવો પડકાર ફેંક્યો હતો અને આ ચૂંટણીમાં મહીસાગર જિલ્લાના અનેક શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા ભાજપના કેટલાક હોદ્દેદારોએ પક્ષવિરોધી પ્રવુત્તિ કરતાં જિલ્લા ભાજપ દ્વારા તેમને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ આજરોજ મહીસાગર જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના શિક્ષણમંત્રીના સ્વાગત કાર્યક્રમમાં ભાજપ માંથી સસ્પેન્ડ થયેલા જિલ્લા કિસાન મોરચાના ઉપાધ્યક્ષ મુકેશ પટેલ, લુણાવાડા તાલુકા મંડળ મહામંત્રી અમરીશ પટેલ, પ્રદેશ શિક્ષણ સેલ સમિતિ મહેન્દ્ર પટેલ, ખાનપુર તાલુકા મંડળ અધ્યક્ષ દિપક જોશી સહિત કેટલાક ભાજપના સસ્પેન્ડેડ હોદ્દેદારો જોવા મળ્યા હતા. ત્યારે પોતાના જ જિલ્લામાં ભાજપ પક્ષવિરોધીઓને દૂર રાખવા શિક્ષણમંત્રી માટે મુશ્કેલ બન્યું છે.