લુણાવાડા,મહિસાગર જિલ્લા કલેકટર ઓફિસના પ્રવેશ પહેલા માર્ગો પર ખુલ્લી ગટરો હોવાના કારણે કચેરીના કામ અર્થે આવતા જિલ્લા-તાલુકાના લોકો માટે જોખમીરૂપ બની શકે છે. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને મેઘરાજા પુરજોશમાં વરસી રહ્યા છે. વરસાદના કારણે જયાં હોય ત્યાં ખુલ્લી ગટરોમાં પાણી ભરાઈ ઉભરતા હોય છેે. તેની આસપાસ ઝાડી-ઝાંખરા ઉગી નીકળતા હોય છે. જેના લીધે ખુલ્લી ગટરો રાહદારીઓ માટે જોખમી સાબિત થઈ રહી છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર કયાંક બનાવ બનવાની રાહ જોઈ રહ્યુ હોય તેમ છેલ્લા કેટલાય મહિનાઓથી આ ગટર પર ઢાંકણ નાંખવામાં ઉદાસીન હોય તેવુ જણાઈ આવે છે ત્યારે જિલ્લા સેવાસદન માર્ગ પરની ચાર થી પાંચ ખુલ્લી ગટરો રાહદારીઓ અને વાહનચાલકો માટે જોખમી સાબિત થઈ શકે છે. ત્યારે વહીવટી તંત્ર આ ખુલ્લી ગટરો પર ઢાંકણ મુકી તેનુ યોગ્ય સમારકામ કરે તો તે રાહદારીઓ તેમજ વાહનચાલકો માટે સારૂ છે નહિ તો આ ખુલ્લી ગટરોમાં કોઈ વ્યકિત પડે જાનમાલનુ નુકસાન થાય તેમ છે.