
- જીલ્લા કલેકટર અને જીલ્લા વિકાસ અધિકારીએ આરોગ્ય ચકાસણી કરાવી કેમ્પની શરૂઆત કરાવી.
મહીસાગર,મહીસાગર જીલ્લા સેવા સદન લુણાવાડા ખાતે એન.સી.ડી તથા સિકલસેલ નિ:શુલ્ક આરોગ્ય નિદાન કેમ્પની જીલ્લા કલેકટર ભાવિન પંડયા, જીલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલ, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી સી આર પટેલે આરોગ્ય ચકાસણી કરાવી કેમ્પની શરૂઆત કરાવી હતી.

આયુષ્યમાન ભવ અભિયાન અંતર્ગત 30 વર્ષ કે તેથી વધુ વયના વ્યક્તિઓને બીન ચેપી રોગો જેવા કે ડાયાબિટીઝ, હાયપર ટેન્શન, કેન્સર, એનિમિયા તથા સિકલ સેલ અટકાયતના નિયંત્રણના પગલાંના ભાગરૂપે સ્ક્રીનીંગ અને નિદાન માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જીલ્લા સેવા સદન અને જીલ્લા પંચાયતના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ કચેરીમાં કામ અર્થે આવેલ નાગરિકોએ આ કેમ્પનો લાભ લીધો હતો અને વિવિધ પરીક્ષણો સાથે સ્વાસ્થ્ય તપાસ કરાવી મેડિકલ ઓફિસર દ્વારા જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું.

આ કેમ્પમાં બ્લડ પ્રેશર, સુગર, હિમોગ્લોબીન, સિકલસેલ ટેસ્ટ,વજન ઊંચાઈની સાથે બી એમ આઈ કાઢવામાં આવ્યું હતું. સમગ્ર કેમ્પમાં આભા કાર્ડ બનાવવાની કામગીરી કરવામાં આવી હતી. આ કેમ્પનું આયોજન અને મોનીટરીંગ અધિક જીલ્લા આરોગ્ય અધિકારી ડો. સી આર પટેલિયા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.