મહીસાગર જીલ્લા પંચાયત ખાતે જીલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને 21મી પશુધન વસ્તી ગણતરી માટે વર્કશોપ યોજાયો

મહીસાગર જીલ્લા પંચાયત પશુપાલન શાખા ખાતે જીલ્લા વિકાસ અધિકારી સી.એલ.પટેલના અધ્યક્ષ સ્થાને આગામી તા. 1લી સપ્ટેમ્બર થી શરૂ થનાર 21મી પશુધન વસ્તી ગણતરી માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું.

મહીસાગર જીલ્લાના કુલ 705 ગામોમાં અંદાજીત 8.50 લાખથી વધુ પશુઓની ગણતરી કરવામાં આવનાર છે ત્યારે આ વર્કશોપમાં નાયબ પશુપાલન નિયામક એમ જી ચાવડા પશુપાલન વિભાગના અધિકારીઓ, પશુધન ગણતરી પ્રક્રિયામાં ભાગ લેનાર 80 ગણતરીદારો, 6 સુપરવાઈઝર અને 1 જીલ્લા નોડલ અધિકારી આ વર્કશોપમાં હાજર રહ્યા હતા. આ વર્કશોપમાં જાતિ, ઓલાદ મુજબ કઈ રીતે માહિતી ભરવી તે સમજાવવામાં આવ્યું.

વર્કશોપના અંતે જીલ્લા વિકાસ અધિકારી દ્વારા જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું ઉપરાંત દરેક ગણતરીદારોને આખા વર્કશોપની કલર કોપી આપવા માટે પશુપાલન શાખાને સુચના આપવામાં આવી. ઉપરાંત પશુપાલન શાખા દ્વારા જીલ્લાના પશુપાલકોને વિનંતી કરવામાં આવી કે ગણતરીદારો જયારે પશુધન વસ્તી ગણતરીની કામગીરી કરવા માટે આવે ત્યારે તેમને પુરતી માહિતી આપી સહકાર તથા સહયોગ આપવો. જેથી આ કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરી શકાય.

અત્રે નોંધનીય છે કે, દર 5 વર્ષે કરવામાં આવતી આ 21 મી પશુધન વસ્તી ગણતરી છે જે ઇ.સ. 1919 થી શરૂ કરવામાં આવી છે. વર્ષ 2019માં 20મી પશુધન વસ્તી ગણતરી હાથ ધરવામાં આવેલ હતી. મહીસાગર માં 20 મી પશુધન વસ્તી ગણતરી મુજબ 8.79 લાખ પશુઓ જેમાં ગાય, ભેસ, ઘેટા, બકરા, ઊંટ, ઘોડા, ગધેડા હયાત છે. આ ગણતરીમાં 1,90,320 ઘરોમાં ફેરણી કરી આ કામગીરી કરવાની થાય છે.

આ માહિતી દ્વારા દેશ,રાજ્ય,જીલ્લાના દૂધ, ઉન, મટન, ચીકન પેદાશના અંદાજ મળી શકે છે. પશુ સંખ્યાના આધારે પશુદવાખાનાની સંખ્યા જેના થકી પશુચિકિત્સક અને પશુધન નિરીક્ષકની જગ્યાઓ ઉભી કરવા માટે અંદાજ પણ મળી શકે છે તેમજ પશુઓમાં રસીકરણ લક્ષ્યાંક, પશુસારવાર નિદાન કેમ્પ લક્ષ્યાંક, ખસીકરણ લક્ષ્યાંક વગેરેનું આયોજન કરી શકાય છે. વધુમાં દેશની ૠઉઙમાં પશુઉત્પાદનના ફાળાનો અંદાજો લગાવી શકાય છે.