મહીસાગર જીલ્લાના 41 કર્મચારીઓની બદલી માટે ફેર વિચારણા કરવામાં ન આવે તો તમામ આરોગ્ય કર્મચારીઓ જીલ્લા પંચાયત ખાતે ધરણા પ્રદર્શન કરવાનું મિટિંગમાં નક્કી કરવામાં આવ્યા

  • મહીસાગર જીલ્લાના 41 આરોગ્ય કર્મચારીઓની આકસ્મિક બદલી કરતા જીલ્લાના કર્મચારીઓ મિટિંગ યોજી.

મહીસાગર જીલ્લાના આરોગ્ય કર્મચારીઓ દ્વાર મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા બે વર્ષથી જીલ્લા આરોગ્ય વહીવટી અધિકારીઓ દ્વારા ત્રાસ આપવામાં આવે છે. કર્મચારીઓ કામ કરતા હોવા છતાં નાની નાની ભૂલો શોધી ટોર્ચર કરવામાં આવે છે. આજે મહીસાગર જીલ્લાના તમામ કર્મચારીઓ એક સાથે મળી લડવાનું નક્કી કરવામાં આવ્યું છે.

કર્મચારીઓના પ્રશ્ર્ન બાબતે અનેકવાર રજૂઆત કરવા છતાં કર્મચારીઓના પ્રશ્ર્નનો ઉકેલ લાવવાના બદલે આકસ્મિક ચેકિંગ ઓફિસ સમય બાદ હાથ ધરી 24 કલાકની અંદર એકી સાથે 41 આરોગ્ય કર્મચારીઓની બદલી કરતા આરોગ્ય કર્મચારીઓમાં તીવ્ર રોષ ભભૂકી ઉઠ્યો છે અને તાત્કાલિક અસરથી પુન:વિચારણા કરી કર્મચારીઓને ન્યાય માટે માંગણી કરેલ છે. કર્મચારી રાત દિવસ જોયા વગર સરકાર દ્વારા સોંપવામાં આવેલ વર્ક લોડ પૂર્ણ કરી જીલ્લાનું નામ રોશન કરી રહ્યા છે.

તેવા સંજોગોમાં સામૂહિક બદલી યોગ્ય નથી. આ જીલ્લાના કર્મચારીઓ કોરોના સમયગાળો હોય કે રોગચાળો હોય 24 કલાક ખડે પગે નિસ્વાર્થ ભાવે ફરજ બજાવી રહ્યા છે. ચોમાસાની ઋતુને ધ્યાને લેવામાં આવેલ નથી. ગુજરાત મુલ્કી સેવા નિયમો મુજબ ચાલુ શૈક્ષણિક ક્ષેત્ર દરમિયાન બદલી નહીં કરવાની પ્રથા તરીકે રાજ્ય સરકારે નિયમ બનાવેલ છે, તેની અવગણના કરી કોઈ ચોક્કસ પરિબળ હેઠળ બદલીઓ કરવામાં આવી છે.

આમ, આરોગ્ય કર્મચારીની બદલી કરવાથી આરોગ્ય કામગીરી ઉપર પણ સીધી અસર થાય તેમ છે. મહીસાગર જીલ્લાના સમગ્ર આરોગ્ય કર્મચારી પરિવાર આનો સખત વિરોધ નોંધાવે છે. જો આગામી સમયમાં જીલ્લાના અધિકારીઓ દ્વારા કર્મચારીઓને હેરાન કરવાનું બંધ નહીં કરે તો મહીસાગર જીલ્લાના તમામ આરોગ્ય કર્મચારીઓ જીલ્લા પંચાયત ખાતે ધરણા પ્રદર્શન કરવાનું મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું હતું.