- શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરની પ્રેરક ઉપસ્થિતિમાં શિક્ષકોનું સન્માન કરાયું.
- મહીસાગર જીલ્લામાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાના 188 વયનીવૃત શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું.
- શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરનાં હસ્તે દિવાળી આવી સાક્ષરતા લાવી અને મહિમંથન મહીસાગર યુ ટ્યુબ ચેનલનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
મહીસાગર,મહીસાગર જીલ્લા નિવૃત્ત શિક્ષક સન્માન સમારોહ ક્રિસ્ટલ સાયન્સ સ્કુલ લુણાવાડા ખાતે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોર અને ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે જીલ્લાના શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરતા શિક્ષકોનું સન્માન, વેકેશનનાં વ્હાલા બાળકો કાર્યક્રમમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર શાળાઓનું સન્માન, એસ એસ સી અને એચ એસ સી માં 100% પરિણામ મેળવનાર શાળાઓનું સન્માન અને વિશિષ્ટ સિધ્ધિ મેળવેલ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઈ ડિંડોર અને ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે જીલ્લા વિકાસ અધિકારીની પ્રેરણાથી દિવાળી આવી સાક્ષરતા લાવી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને મહિમથન મહીસાગર યુ ટ્યુબ ચેનલ નો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરએ જણાવ્યું હતું કે, શિક્ષકો વ્યકિત નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણનું ભગીરથ કાર્ય કરી સમાજની સેવા કરી રહ્યા છે. શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મે પલતે હે હકીકતમાં આ સૂત્ર કામ કરીને સાર્થક કરવાનું છે. શિક્ષકોમાં અદભૂત કલા છે તેઓ બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિને બહાર લાવી શકે છે. માનવ નિર્માણનું કાર્ય શિક્ષક કરે છે. જન્મ માટે પિતાને આભારી છે, ત્યારે જીવન શિક્ષકને આભારી છે.
નવી શિક્ષણ નીતિનો ઉલ્લેખ કરતા મંત્રીએ જણાવ્યું કે, નવી શિક્ષણ નીતિ સ્કીલ બેઈઝ હશે. સાથે અતિથિ દેવો ભવ, માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ અને ગુરૂદેવો ભવની પ્રણાલી પણ નવી શિક્ષણ નીતિમાં છે. યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની રાહબરી હેઠળ ભારત મહાસત્તા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ભારતને પુન: દિવ્ય બનાવવાનું કામ શિક્ષકોનું છે. બાળકોના ઉત્થાન માટે સવિશેષ કામગીરી કરનાર સન્માનિત શિક્ષકો અભિનંદનને પાત્ર છે. જે શાળાઓ 100 ટકા પરિણામ લાવી તે શાળા પાસેથી અન્ય શાળાઓએ બોધપાઠ લઇને પોતાની શાળાઓની પ્રગતિ કરવી જોઈએ. એ જ રીતે જે શિક્ષકોએ સિધ્ધિ મેળવી છે, તેમણે જીલ્લા પુરતુ સીમિત રહેવાનુ નથી. રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચવાનું છે. આપણા વિદ્યાર્થીઓ જીલ્લા અને રાજ્યકક્ષાએ રેંકીગમાં આવે તેવા પ્રયાસ કરવાના છે. વડાપ્રધાનના ડિજીટલ ઈન્ડિયાના વિઝનને સાકાર કરવા માટે શિક્ષણ પણ ડિજીટલ થઈ રહ્યું છે.
આ પ્રસંગે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અવનીબા મોરીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ, સમગ્ર શિક્ષા સચિવ એમ.પી. મેહતા, મહીસાગર કલેકટર ભાવિન પંડ્યા, જીલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલ, લુણાવાડા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ, જીલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન પીનાકિંનભાઈ શુક્લ, સંતરામપુર ડાયટ પ્રાચાર્ય કે.ટી.પોરાણીયા સહિત મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.