મહીસાગર જીલ્લાની વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સમાપન:જીલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ભવ્ય સમાપન કાર્યક્રમ યોજાયો

  • વિવિધ યોજનાના લાભાર્થીઓને સાધન સહાય તથા કિટ વિતરણ કરી લાભાન્વિત કરાયા.

મહીસાગર,આજે લુણાવાડા તાલુકાના અને સમગ્ર મહીસાગર જીલ્લાની વિકસિત ભારત સંકલ્પ યાત્રાના અંતિમ દિવસે લુણાવાડા તાલુકાના નપાણિયા ગામે ભવ્ય સમાપન સમારોહ જીલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઇ પટેલની અધ્યક્ષસ્થાને અને પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડની વિશેષ ઉપસ્થિતીમાં યોજાયો હતો.

આ પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઇ પટેલે જણાવ્યું હતું કે, ભારત સરકારના વિવિધ વિભાગો દ્વારા લોક કલ્યાણકારી યોજનાઓના સુચારૂ સંચાલન દ્વારા છેવાડાનાં માણસને યોજનાકીય લાભ પહોંચાડવાનું કામ વિકસિત ભારત સંક્લ્પ યાત્રા હેઠળ મહીસાગર જીલ્લા તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં નાગરિકોને યોજનાઓનો મહત્તમ લાભ લેવા પ્રમુખએ ગ્રામજનોને અપીલ કરી હતી.

આ પ્રસંગે સાંસદ રતનસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, વડાપ્રધાનને દેશના ગરીબ અને વંચિત નાગરિકોની ચીંતા છે. તેમને ખબર છે કે, ગરીબ લોકોને કઇ કઇ તકલીફો સહન કરવી પડે છે તેથી તેમણે આવાસ યોજના, આયુષ્માન ભારત કાર્ડ,અન્ન યોજના, ઉજ્જ્વલા યોજના જેવી અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. જેથી આપણે યોજનાઓ અંગે જાગૃત બની લાભ લઇએ અને આર્થીક સામાજીક રીતે આગળ વધીએ એમ સૌને અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે જીલ્લા કલેક્ટર ભાવિન પંડયા દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ઘરઆંગણે 17 જેટલી વિવિધ યોજનાઓનો લાભો આપવામાં આવી રહ્યા છે. ત્યારે દરેક લોકોએ આ યોજનાઓનો લાભ લેવા જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ઉદ્દબોધન વર્ચ્યુલી નિહાળ્યું હતું. આ સાથે મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત પોષણ અભિયાન, પીએમ કિશાન યોજના, આયુષ્માન ભારત કાર્ડ જેવી વિવિધ યોજનાના લાભાર્થીઓએ પોતાની સાફલ્યગાથા વર્ણવી હતી. આ ઉપરાંત મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને સાધન સહાય તથા કિટ વિતરણ કરી લાભાન્વિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ વિકસિત ભારત અંગેની શપથ ગ્રહણ કરી હતી. કાર્યક્રમમાં વિવિધ યોજનાના સ્ટોલ, આંગણવાડી કેન્દ્ર દ્વારા પોષ્ટીક વાનગી નિદર્શન તથા મેડિલક હેલ્થ કેમ્પનું સુદ્રઢ આયોજન જીલ્લા તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જીલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલ, પ્રાંત અધિકારી, રથના ઇન્ચાર્જ, મામલતદાર, ગ્રામપંચાયતના સરપંચ, તેમજ સંબધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ-કર્મચારીઓ તથા ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.