મહીસાગર જીલ્લાની બે દીકરીઓએ સ્પેશિયલ ઓલિમ્પિક્સ ફ્લોરબોલની રમતમાં રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવ્યો

  • જીલ્લા કલેકટર નેહાકુમારીએ બંને દીકરીઓને અભિનંદન પાઠવી આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઉજ્જવલ દેખાવ માટે શુભેચ્છાઓ પાઠવી

મહિસાગર, નવી દિલ્હી ખાતે તાજેતરમાં યોજાયેલ સ્પેશિયલ ઓલિમ્પિક્સની ફ્લોર બોલની રમતમાં ગુજરાતની ટીમની સાત મનોદિવ્યાંગ દીકરીઓએ ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર દેશમાં ગૌરવશાળી સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિમાં મહીસાગર જીલ્લાના ખાનપુર તાલુકાના વડાગામ ક્લસ્ટરની બે દીકરીઓના ઉજ્જવલ પ્રદર્શનનો સમાવેશ હોવાથી રાષ્ટ્રીય કક્ષાએ જીલ્લાનું નામ રોશન કરવા બદલ શુભેચ્છાઓની વર્ષા થઇ રહી છે.

આંતરરાષ્ટ્રીય સંસ્થા સ્પેશ્યલ ઓલિમ્પિક્સ દ્વારા માનસિક-ક્ષતિ ધરાવતા બાળકો કે વ્યક્તિઓને વિવિધ રમતોની તાલીમ આપીને જુદી-જુદી હરિફાઈ માટે તૈયાર કરવામાં આવે છે. આ સંસ્થા દ્વારા રમતવીરોને તેમની શારીરિક ક્ષમતા વધારવાની તકો મળે તેમજ તેમની હિંમતનું પ્રદર્શન કરી શકે અને રમતના આનંદનો અનુભવ કરી શકે સાથે સાથે તેમની અંદર રહેલી ક્ષમતાઓ, આવડતોની આપ-લે બીજા રમતવીર સાથે કરી શકે અને તેમને સમાજ સાથે એકરૂપ થવાની સમાન તકો પ્રાપ્ત થાય તેવા ઉમદા પ્રયત્નો કરવામાં આવે છે. સ્પેશિયલ ઓલિમ્પિક્સ દ્વારા ન્યુ દિલ્હી ખાતે ફ્લોરબોલ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહીસાગર જીલ્લાની બે એથલીટની પસંદગી થઇ હતી. ફ્લોર બોલની રમતમાં ભારતના ચૌદ રાજ્યોની 98 ખેલાડીઓએ ભાગ લીધો હતો. તેમાં ગુજરાત રાજ્યની ફ્લોર બોલની ટીમની સાત દિકરીઓએ ગોલ્ડ મેડલ જીતીને સમગ્ર દેશમાં નામ રોશન કર્યું છે. આ ટીમમાં મહીસાગર જીલ્લાની વડાગામ ક્લસ્ટરની બે એથલીટ વિરણીયા (ગાંગટા) ગામની સુમિત્રાબેન છગનભાઇ ખાંટ અને વડાગામની દિકરી શર્મિષ્ઠાબેન નરેશભાઈ પગીનો સમાવેશ થાય છે.

જીલ્લા સેવા સદન ખાતે કલેકટર નેહાકુમારીએ સિદ્ધિ પ્રાપ્ત કરનાર આ બંને દીકરીઓ સુમિત્રાબેન ખાંટ અને શર્મિષ્ઠાબેન પગીની હિંમત અને ક્ષમતાને બિરદાવી હતી તેમના કોચ રમેશકુમાર દિનેશચંદ્ર સોલંકી, ગ્રોથ એન્ડ ડેવલોપમેન્ટ મેનેજર બાબુભાઈ પરમાર સહીત સમગ્ર ટીમને ગુજરાત રાજ્ય અને મહીસાગર જીલ્લાનું નામ રોશન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને મોં મીઠું કરાવ્યું હતું. તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ આગામી વર્ષ 2025માં ઇટલી ખાતે યોજાનાર સ્પેશીયલ ઓલિમ્પિક્સમાં તક મેળવી ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

સમગ્ર મહીસાગર જીલ્લા વહીવટીતંત્ર સહીત જીલ્લા શિક્ષણાધિકારી નેલેશકુમાર મુનીયા,જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. અવનીબા મોરી, બીઆરસી કો.ઓ. રૂપેશ ઉપાધ્યાય, જીલ્લા કો.ઓ. રમણભાઈ, દિવ્યાંગ બાળકોના શિક્ષકોએ આ બંને દીકરીઓ અને તેમના કોચ, મેનેજરને અભિનંદન સાથે પ્રગતિમય ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી.