મહીસાગર જીલ્લાના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને મતદાર જાગૃતિ અભિયાનમાં જોડવા કલેકટર કચેરી ખાતે કોફી વિથ કલેકટરનું આયોજન કરાયું

  • સોશિયલ મીડિયા ક્રીએટરની સ્કીલનો લોકશાહીની પવિત્ર ફરજ અદા કરવા જનજાગૃતિ માટે ઉપયોગ કરવા મહીસાગર જીલ્લાતંત્રની નવતર પહેલ

લુણાવાડા,આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં 7 મી મે 2024ના રોજ મતદાન થવાનું છે ત્યારે મહીસાગર જીલ્લામાં મહત્તમ મતદાન થાય અને મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી આંગણે આવેલા આ લોકશાહીના અવસરમાં સહભાગી બને તે માટે જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર નેહાકુમારીના માર્ગદર્શનમાં મતદાર જાગૃતિ અને તેના પ્રચાર પ્રસાર માટે અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.

જીલ્લા કલેકટરના મતદાર જાગૃતિ અંગેના વિવિધ પ્રયાસોને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે વધુ એક નવતર પહેલના ભાગરૂપે જીલ્લામાં 5સ થી વધુ ફોલોઅર ધરાવતા જીલ્લાના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને મતદાર જાગૃતિ અભિયાનમાં જોડવા કોફી વિથ કલેકટરનું આયોજન કલેકટર કચેરી હોલ ખાતે કરવામાં આવ્યું .

જીલ્લા ચુંટણી અધિકારી નેહા કુમારીએ જણાવ્યું હતું કે, આજના સમયમાં ઝડપથી સંદેશો પહોંચાડવાનું માધ્યમ સોશિયલ મીડિયા છે અને આજનો યુવા વધુ સમય સોશિયલ મીડિયા પર પસાર કરે છે. ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી વિવિધ મતદાર જાગૃતિ થીમ પર વિડીયો બનાવી શેર કરી વધુને વધુ લોકો મતદાન કરવા પ્રેરાય તે માટે અપીલ કરી હતી. સાથે જે લોકો જીલ્લાની બહાર વસવાટ કરતાં હોય તે લોકો પણ મતદાનના દિવસે મતદાન કરવા અચૂક જાય આ અવસરમાં જોડાવા અપીલ કરી હતી.

કોફી વિથ કલેકટર કાર્યક્રમાં ઉપસ્થિત રહેનાર જીલ્લાના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પાસે મતદાન જાગૃતિ ક્ધટેન્ટ વિષે ચર્ચા કરવામાં આવી હતી અને કેવી રીતે મહત્તમ લોકો આ પર્વમાં જોડાય તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં જીલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલ, પ્રોબેશનલ આઇએએસ મહેંક જૈન, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક સી.એન.ભાભોર , પ્રાંત અધિકારી આનંદ પાટીલ, નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી એમ.એસ.મનાત ઉપસ્થિત રહ્યા હતા.