મહીસાગર જીલ્લાના સંતરામપુર આઝાદ મેદાન ખાતે કેબિનેટ મંત્રીની પ્રેરક ઉપસ્થિતીમાં વિશ્વ આદિવાસી દિવસની જીલ્લાકક્ષાની ઉજવણી કરવામાં આવી

  • ગુજરાત સરકારે આદિવાસી વિસ્તારોમાં યુનિવર્સિટીઓ, મેડિકલ કોલેજો, જમીનના હક્ક આપી તેમનું સામાજીક શૈક્ષણિક અને આર્થિક ઉત્થાન કરવા અનેક નિર્ણયો લીધા છે – મંત્રી ભાનુબેન બાબરીયા.
  • મંત્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ ઉપરાંત તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરી પ્રશસ્તીપત્રો આપવામાં આવ્યા હતા.
  • કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું.

વિશ્વભરમાં ભારત અને ગુજરાતમાં વસવાટ કરતા મૂળનિવાસી સમુદાયોનો આર્થિક, સામાજીક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, આરોગ્ય, કાયદાકીય, રાજકીય રીતે ઉત્કર્ષ થાય, તેઓ અન્યોની હરોળમાં આવે તે હેતુથી દેશભરમાં દર વર્ષે 9 ઓગષ્ટના દિવસે વિશ્ર્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના ઉપલક્ષમાં જીલ્લા કક્ષાના વિશ્ર્વ આદિવાસી દિવસની ઉજવણી મહીસાગર જીલ્લાના સંતરામપુર આઝાદ મેદાન ખાતે સામાજીક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી.

કેબિનેટ મંત્રી ભાનુબેન વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે આદિવાસી વિસ્તારોમાં યુનિવર્સિટીઓ, મેડિકલ કોલેજો, જમીનના હક્ક આપી તેમનું સામાજીક શૈક્ષણિક અને આર્થિક ઉત્થાન કરવા અનેક નિર્ણયો લીધા છે. રાજ્ય સરકાર દ્વારા આદિજાતિના પરિવારોને માળખાકીય સુવિધાઓ, માર્ગોનું બાંધકામ, શૈક્ષણિક સુવિધા, પીવાના પાણીની સવલત, આરોગ્ય સુવિધા, કૃષિ વિકાસ, જમીન વિહોણાને જમીનના હકો આપીને વિતરણ કરીને તેમના સમગ્રતયા વિકાસની દિશામાં મક્કમ પગલા લીધાં છે. અનુસૂચિત જન જાતિના લોકોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારના રાજ્ય સરકારના પરિણામ લક્ષી કાર્યક્રમો, અભિયાનો અને યોજનાઓ દ્વારા વનબંધુઓનું જીવનધોરણ ઊંચુ લાવવાના સઘન પ્રયાસો થઈ રહ્યા છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત મારો આત્મા અને ભારત મારો પરમાત્માની ઉદાત ભાવના સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની વહીવટી સેવાઓમાં પેરેડાઈમ શિફ્ટ કર્યું છે. ગુજરાતના 14 આદિવાસી જીલ્લાના 92 લાખ જેટલા આદિવાસી બાંધવોના વિકાસ માટેનું અદકેરૂં સાધન બનાવી એમના સામાજીક, આર્થિક અને શૈક્ષણિક વિકાસની નવતર પરિભાષા વિકસાવી છે અને ગુજરાતનો અદ્યતન વિકાસ સાધ્યો છે.છેલ્લા બે દાયકામાં વનબંધુઓનો સર્વાંગી વિકાસ થયો છે. આજનો આદિજાતિ બાંધવ સામાજીક ક્ષેત્રે પણ અગ્રેસર બન્યો છે.

આ પ્રસંગે વિવિધ યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ ઉપરાંત તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરી પ્રશસ્તીપત્રો આપવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતમાં વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ મહાનુભાવો અને ઉપસ્થિત નાગરિકોએ નિહાળ્યું હતું. કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાએ એક પેડ ર્માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું.

કાર્યક્રમની શરૂઆતમાં જીલ્લા કલેક્ટર નેહા કુમારીએ સૌને આવકાર્યા હતા. આદિવાસી સમાજના માનવ મહેરામણ વચ્ચે ઉજવણી કાર્યક્રમ પ્રાયોજના વહીવટદાર યુવરાજ સિદ્ધાર્થએ આભાર દર્શન સાથે સંપન્ન થયો.

આ પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઇ પટેલ, જીલ્લા વિકાસ અધિકારી સી.એલ.પટેલ, સંતરામપુર તાલુકા પંચાયત પ્રમુખ હરેશભાઈ વલવાઈ, કડાણા તાલુકા પંચાયત પ્રમુખ મંગુબેન માલીવાડ, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ચંદ્રિકાબેન ભાભોર, અગ્રણી દશરથભાઈ બારીયા સહિત સંબંધિત અધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.