મહિસાગર જિલ્લાના નિવૃત્ત શિક્ષકોનો 4 વર્ષ વિતવા છતાં જી.પી.એફ.ના નાણાં માટે ધરમધકકા

લુણાવાડા,

મહિસાગર જિલ્લાનુ વિભાજન પંચમહાલ અને ખેડા જિલ્લામાં 2014માં કરવામાં આવ્યુ હતુ. જયારે આજે જિલ્લાનુ વિભાજન થયે 6 વર્ષ થયા હોવા છતાં મહિસાગર જિલ્લાના લુણાવાડા, ખાનપુર, કડાણા, સંતરામપુર, વિરપુર અને બાલાસિનોર તાલુકાના શિક્ષકોને જી.પી.એફ.ના નાણાંના 4 વર્ષ વિતવા છતાં ન મળતા ધરમનો ધકકો ખાવાનો વારો આવ્યો છે. ત્યારે બાલાસિનોર તાલુકાના 2018 પછી નિવૃત્ત થયેલ 70 શિક્ષકોની ચાર વર્ષથી વારંવાર રજુઆતો છતાં નાણાં ન ચુકવાતા રોષ જોવા મળ્યો હતો. શિક્ષકોને માંદગી, સામાજિક પ્રસંગો સહિત અનેક ખર્ચાઓ માટે તકલીફો વેઠવી પડી રહી છે. ત્યારે નોકરી સમયે કામગીરીમાં અડધો કલાક મોડા આવે તો નોટિસ અપાય છે તો હકના પૈસા અપાતા 4 વર્ષ કેમ જેવા સવાલોના જવાબો શિક્ષણ વિભાગના અધિકારીઓ પુછયા હતા. જયારે નિવૃત્તિ બાદ બીજા મહિને જમા થતાં પૈસા ચાર વર્ષ પછી પણ જમાં ન થતાં શિક્ષકો રોષ સાથે ડી.ડી.ઓ.ને હાજર ન હોવાથી નાયબ ડી.ડી.ઓને આવેદનપત્ર આપ્યુ હતુ. તેમજ વહેલી તકે નાણાં ચુકવાય તેવી માંગ સાથે રજુઆત કરી હતી. જો વહેલી તકે નાણાં નહિ મળે તો ગાંધી ચિંઘ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.