મહીસાગર જીલ્લા કલેકટરની કેપ્ટનશીપમાં મતદાન જાગૃતિ માટે મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

લુણાવાડા, સમગ્ર દેશમાં લોકસભા સામાન્ય ચુંટણી 2024 યોજાઈ રહી છે, તો સાથે સાથે લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનો ઉત્સાહ પણ છવાયેલો જોવા મળી રહ્યો છે. ત્યારે જેમ ક્રિકેટમાં પ્રત્યેક રન અને વિકેટ કિંમતી છે, તેમ લોકશાહીના પર્વ ચુંટણીમાં પ્રત્યેક મત કિંમતી છે. માટે સ્વસ્થ લોકશાહી માટે મહત્તમ મતદાનના સંદેશ સાથે મહીસાગર જીલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેકટર નેહાકુમારીની કેપ્ટનશીપમાં મતદાન જાગૃતિ માટે મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સ્ટાફ ક્વાટર્સ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટના પ્રારંભે મતદાર જાગૃતિ પ્રતિજ્ઞાનું વાંચન કરાયું હતું.

આ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં જીલ્લા કલેકટર નેહાકુમારીની કલેકટર કચેરીની મહિલા ટીમ સામે જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ચંદ્રિકાબેન ભાભોરની ટીમ વચ્ચે મેચ યોજાઈ હતી. જેમાં કલેકટર ટીમનો વિજય થયો હતો. જીલ્લા તંત્રના અધિકારીઓ કર્મચારી અને પરિવારજનોની ઉપસ્થિતિમાં વિજેતા ટીમ, રનર્સ અપ ટીમ અને વિમેન ઓફ ધી મેચને જીલ્લા વિકાસ અધિકારી સી.એલ.પટેલ, અધિક નિવાસી કલેકટર સી.વી.લટાએ ટ્રોફી આપી સન્માનિત કરી અભિનંદન પાઠવ્યા હતા. આ ટુર્નામેન્ટમાં જીલ્લા તંત્રના મહિલા અધિકારીઓ, કર્મચારીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની પૂર્ણતાએ જીલ્લા કલેકટરએ તમામ સહયોગીઓને અભિનંદન પાઠવતા મતદાતાઓને પ્રત્યેક મતની કિંમત સમજાવી મતદાર જાગૃતિનો સંદેશ પ્રસરાવવા સૌના યોગદાનની અપીલ કરી હતી.