મહીસાગર જીલ્લા ચુંટણી અધિકારી દ્વારા કલાના રંગ દ્વારા મતદાન જાગૃતિનો સંદેશ

  • કલેશ્વરી ખાતે મહીસાગર જીલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે ચિત્ર સ્પર્ધા યોજાઇ.
  • કલેકટર, જીલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓએ પેઇન્ટિંગ બનાવી મતદાર જાગૃતિનો સંદેશ પાઠવ્યો: જીલ્લાના ચિત્ર શિક્ષકો સહિત ચિત્ર કલાકારોએ સ્પર્ધામાં ભાગ લીધો.

લુણાવાડા, મહીસાગર જીલ્લા કલેક્ટર અને ચુંટણી અધિકારી નેહાકુમારીના માર્ગદર્શન અને ઉપસ્થિતિમાં SVEEP કામગીરી અંતર્ગત ખાનપુર તાલુકાના લવાણા ગામે કલેશ્વરી ખાતે પેઇન્ટિંગ કમ વર્કશોપ તેમજ ઇલેક્શન પેઇન્ટિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું અને લોકશાહીના પર્વને કલાના રંગ દ્વારા ઉજવી મતદાન જાગૃતિનો સંદેશ પાઠવવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો હતો. સ્પર્ધાના પ્રારંભે ઉપસ્થિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી સ્પર્ધાનો શુભારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે જીલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું કે આગામી લોકસભા ચૂંટણીમાં વધારેમાં વધારે મતદારો પોતાની ભાગીદારી નોંધાવે એ માટે લોકશાહીનો અવસર અભિયાન શરૂ કરવામાં આવ્યું છેઙ જેમાં ખાસ આ વખતે પ્રથમવાર મતદાન કરતા નવયુવાન, મહિલાઓ, વડીલો નાગરિકો ઉત્સાહ સાથે ચૂંટણીમાં ભાગીદાર બની મોટા પાયે મતદાન કરે એ માટે મતદાતા જાગૃતિ અભિયાન ખૂબ જ બહોળા પ્રમાણમાં આયોજનબદ્ધ રીતે ચલાવવામાં આવી રહ્યું છેઙ જેના ભાગરૂપે આ ચિત્ર સ્પર્ધા દ્વારા કળાના માધ્યમથી મતદાન જાગૃતિનો સંદેશ પ્રસરાવશે.

છેલ્લા સાત વર્ષથી રોજ એક વોટર કલર પેઇન્ટિંગ બનાવવાની સિદ્ધિથી જાણીતા જીલ્લાના પ્રસિદ્ધ ચિત્રકાર બીપીનભાઈ પટેલે સૌને માર્ગદર્શન આપ્યું હતું. આ કોમ્પિટિશનમાં જીલ્લા કલેકટર નેહાકુમારી, જીલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલ, પ્રોબેશનલ આઈ એ એસ મહેક જૈન, પ્રાંત અધિકારી આનંદ પાટીલ, નાયબ ચૂંટણી અધિકારી એમ એસ મનાત, જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અવનીબા મોરી સહિતના અધિકારીઓએ પણ પેઇન્ટિંગ બનાવી મતદાર જાગૃતિનો સંદેશ પાઠવ્યો હતો તથા ઉપસ્થિત સર્વે દ્વારા અચુક મતદાન કરવા સંકલ્પ લેવામાં આવ્યો.

આ સ્પર્ધામાં ચુનાવ કા પર્વ લોકશાહી કા ગર્વ, મારો મત એ જ મારૂં ભવિષ્ય, બુઢે હો યા જવાન સભી કરે મતદાન, મત સે મત ભાગો, પ્રથમ કર્તવ્ય વોટ, મત આપો દેશ બચાવો, દસ મિનીટ દેશ માટે જેવા મતદાર જાગૃતિના સંદેશ સાથે ઉત્તમ ચિત્રો પ્રદર્શનીમાં જોવા મળ્યા હતા. સ્પર્ધાના અંતે ઉત્કૃષ્ઠ પાંચ ચિત્રોને ક્રમ આપી મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં નોડલ અધિકારી અને જીલ્લા શિક્ષણધિકારી નૈલેશ મુનિયા, ખાનપુર મામલતદાર સહીત અધિકારીઓ અને કલા રસિકોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.