મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં તલાટી કમ મંત્રીની પરીક્ષામાં પોલીસની સરાહનીય કામગીરી

  • તલાટી કમ મંત્રીની 3437 ખાલી જગ્યાઓ ભરવા માટે આજે 7 મેએ પરીક્ષા, તંત્ર ખડેપગે.

બાલાસીનોર,રાજ્યમાં તલાટી કમ મંત્રીની 3437 ખાલી જગ્યાઓ ભરવા માટે પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આજ રોજ પરીક્ષા લેવામાં આવી રહી છે. આ ભરતી પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

પંચાયત સેવા વર્ગ-3ની તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા માટે રાજ્યના 17.10 લાખથી વધુ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી. જે પૈકીના 8,64,400 ઉમેદવારો પરીક્ષા આપશે. રાજ્યના ગીર સોમનાથ, ડાંગ અને નર્મદા સિવાયના બાકી તમામ 30 જિલ્લામાં ફાળવવામાં આવેલા કુલ 2694 પરીક્ષા કેન્દ્રોના 28,814 વર્ગખંડોમાં બેસીને ઉમેદવારો આ પરીક્ષા આપશે.

જે મુજબ મહિસાગર જિલ્લાના બાલાસિનોર પોલીસ દ્વારા પરીક્ષાર્થીઓના રહેવા અને જમવા ની વ્યવસ્થા તેમજ પરીક્ષાના દિવસે પરીક્ષાર્થીઓને કોઇ પણ હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે ખડેપગે રહીને પરીક્ષાર્થીઓને ફોટા, આધારકાર્ડ, હોલટીકીટ અને પેન જે લોકો પાસે ન હતા તેમને યુધ્ધના ધોરણે બાલાસિનોર પોલીસ દ્વારા પરીક્ષાર્થીઓને આધારકાર્ડ, ફોટા અને હોલ ટિકિટની પ્રિન્ટની વ્યવસ્થા કરી આપી અને પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં એન્ટ્રી આપી હતી. જેને લઈને પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા આપવા આવેલ પરીક્ષાર્થીઓ દ્વારા બાલાસિનોર પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

પરીક્ષાર્થીઓને કેન્દ્ર સુધી પહોંચી શકાય તે માટે બાલાસિનોર પોલીસ દ્વારા રીક્ષા યુનિયન દ્વારા ફકત 20 રૂપિયાના નજીવા ભાડાથી પરીક્ષા કેન્દ્ર પર ઉતારવાની વ્યવસ્થા પણ બાલાસિનોર પોલીસ દ્વારા કરવામાં આવી હતી અને બાલાસિનોર પોલીસ સ્ટાફ દ્વારા પણ પરીક્ષાર્થીઓ સાથે સુલેહ શાંતિમય વાતાવરણમાં પરીક્ષા આપવા પ્રોત્સાહન આપ્યું હતું.