મહિસાગર, મહીસાગર જીલ્લા શિક્ષણાધિકારીની કચેરી તેમજ જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સંતરામપુર દ્વારા એનસીઇઆરટી ન્યુ દિલ્લીથી મળેલ સુચના મુજબ બાળ વૈજ્ઞાનિકો પ્રદર્શન 2023-24 અંતર્ગત ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ વિષયોને ધ્યાનમાં રાખીને જીલ્લાની તમામ શાળાઓ દ્વારા સીઆરસી બીઆરસી તાલુકા કક્ષાએ વિવિધ મોડેલો રજુ કરવામાં આવ્યા હતા. જેમાં મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાની મોટા સોનેલા પ્રાથમિક શાળામાં ધોરણ-8માં અભ્યાસ કરતી સથવારા રિદ્ધિ દિનેશકુમાર અને શાળાના આચાર્ય ક્લ્પીન્તભાઈ પટેલ તથા સ્ટાફગણના સહયોગથી સાયન્સ એન્ડ ટેકનોલોજી ફોર સોસાયટી અને સ્ટેમ લર્નિંગ અંતર્ગત બનાવેલ ચંદ્રયાન-3નું મોડેલ પ્રજ્ઞાન રોવર પ્રથમ સ્થાન પર રહ્યું હતું. આ મોડેલને આચાર્ય ક્લ્પીન્તભાઈ પટેલના પ્રયત્નોથી ડીજીટલ ઇકવીલાઈઝર પ્રોગ્રામ અંતર્ગત ગાંધીનગર સ્થિત અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશનમાં રજુ કરવામાં આવ્યો. જેથી એઆઈએફના પ્રોજેક્ટ ડાયરેક્ટર ગાયત્રીબેન કોલ, ઈસરો સાયન્ટિસ્ટ વિપીનભાઈ પટેલ, ટેકનીકલ એક્સપર્ટ સુધીરભાઈ શર્મા ટીમ દ્વારા દિલ્લીમાં યોજાનાર બે દિવસની ડીજીક્વીટી પ્રોગ્રામમાં નેશનલ લેવલે પ્રેઝન્ટ કરવાની પરવાનગી આપી મોડેલ પ્રજ્ઞાન રોવરને દિલ્લીમાં રજુ કરવામાં આવ્યું હતું.
અત્રે નોંધનીય છે કે, સમગ્ર ભારતમાંથી માત્ર 10 મોડેલની પસંદગી થઇ હતી અને ગુજરાત રાજ્ય માંથી માત્ર બે મોડેલ પસંદ કરવામાં આવ્યા હતા. આ મોડેલને કલ્પના રોવર નામ આપી સથવારા રિદ્ધિ દિનેશકુમાર દ્વારા નેશનલ લેવલે રજુ કરવામાં આવ્યું હતું. જેમાં સ્ટેમ લર્નિંગ પ્રોગ્રામમાં ચંદ્રયાન-3 લોન્ચ કરનાર નાસાના મહાન વૈજ્ઞાનિકોને મળવાની અને પોતાના વિચારોનું આદાન પ્રદાન કરવાની ઉત્તમ તક આ ભવિષ્યના બાળ વૈજ્ઞાનિકોને મળી હતી. મહીસાગર જીલ્લાના બાળ વૈજ્ઞાનિક રિદ્ધિ સથવારાએ રાષ્ટ્રીય કક્ષાએ કલ્પના રોવર પ્રોજેક્ટ રજુ કરી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.