મહીસાગર જીલ્લાના આંબા પ્રાથમિક શાળાનાં શિક્ષક ચંદ્રિકાબેન ખાટને શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષત-2024 માટે પસંદગી

  • બાળકના સર્વાગી વિકાસ માટે અવનવી પ્રવૃતિ કરાવી તેમની અંદર છુપાયેલ શક્તિને બહાર લાવવાનું કામ કરતાં સંતરામપુર તાલુકાના ચંદ્રિકાબેન ખાંટ.

સમાજના પ્રથમ વિકાસનું પગથીયું શિક્ષણ છે. શિક્ષક એ સમાજનો ઘડવૈયો છે. શિક્ષકે સફળ થવા માટે વિદ્યાર્થીનો પ્રેમ, વિશ્વાસ અને મન જીતવા પડે છે. અને વિદ્યાર્થીને પોતાના કરવાની આવડત એટલે કે કૌશલ્ય એનામાં હોવું જોઈએ. બાળકની જરૂરિયાતને ધ્યાને લઈ બાળકને કેવી રીતે ભણવું ગમે એ સાથે બાળકને કેવી રીતે ભણાવું બાળક પાસે રહીને બાળક જેવુ થઈ ને શિક્ષણ આપવું ખૂબ જરૂરી છે.

મહીસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાનાં આંબા પ્રાથમિક શાળા ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા ચંદ્રિકાબેન ખાટ જણાવે છે કે ,શાળા તથા બાળકોના જીવનનો વિકાસ કરવાનો અને શાળા એ મારૂં મંદિર અને શિક્ષણ એ જ સેવા અને બાળકો એ જ મારા દેવ એવું સમજીને કરેલ કાર્યની સિદ્ધિની ઝાંખી રજુ કરવાનો મેં પ્રયત્ન કરેલ છે. કરવું તો સારૂં જ કરવું નહિ તો નહિ જ કરવું.” આ જીવનસૂત્રને ધ્યાને રાખી અને ફળની આશા રાખ્યા વિના કર્મ કર્યે જવું. અને શાળાનો તથા બાળકોનો વિકાસ એ જ મારો જીવનમંત્ર રહ્યો છે.

ચંદ્રિકાબેન ખાટ જણાવે છે કે, હું શિક્ષણ કાર્યમાં 38 વર્ષથી જોડાયેલ છું. બાળકને શિક્ષણ સાથે સર્વાંગી વિકાસ થાય તે માટે શાળા સમય પેહલા અને શાળા છુંટયા બાદ પણ બાળકોને વિકાસ થાય તે દિશામાં કામ કરી રહી છુ. શિક્ષણની સાથે બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે સંગીત અને રમત- ગમત ક્ષેત્રે વિદ્યાર્થીઓ આગળ વધે તે માટે તેમની છુપાયેલ શક્તિને બહાર લાવવાનું કામ કરવામાં આવે છે.

વધુમાં તેમણે જણાવ્યું કે બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે શાળામાં નબળા બાળકો, મધ્યમ બાળકો અલગ તારવી તેમના પર વિશેષ ધ્યાન આપી સર્વાંગી વિકાસ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમને ચિત્રકૂટ એવોર્ડ પણ પ્રાપ્ત થયેલ છે અને શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષત-2024 માટે પસંદગી થયેલ છે.