લુણાવાડા,
મહિસાગર જીલ્લાના ભાદર કેનાલોમાં ગાબડા પડવાની ધટનાઓને લઈ ખેડુતોને નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. 21 નવેમ્બરના રોજ ભાદર કેનાલનું પાણી છોડવામાં આવ્યું હતું. મેણા ગામ પાસે કેનાલમાં ગાબડું પડતા ગાબડું પુરાયા બાદ પાણી છોડવાની જાહેરાત થતાં ખેડુતોની રવિ સીઝન ઉપર અસર થશે.
મહિસાગર જીલ્લામાં ભાદર કેનાલ માંથી ખાનપુર, લુણાવાડા અને વિરપુર તાલુકામાં કેનાલ પસાર થતી હોય જેને લઈ ખેડુતો માટે આર્શીવાદ રૂપ સાબિત થઈ હતી. ચાલુ રવિ સીઝન માટે 21 નવેમ્બરના રોજ ભાદર ડેમ માંથી ભાદર મુખ્ય કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું હતું. કેનાલમાં પાણી છોડતા મેણા ગામ પાસે કેનાલમાં 70 ફુટનું ગાબડું પડતા પાણી કોતર મારફતે ભાદર નદીમાં વહી ગયું હતું. રવિ પાકની સીઝનનો સમય હોય ત્યારે આંમ પણ પાણી લેટ છોડવામાં આવ્યું હતું. તેમાં પણ મુખ્ય કેનાલમાં ગાબડું પડતા 30 નવેમ્બર સુધી કેનાલનું ગાબડું પુરીને સિંચાઈનું પાણી પુરુ પાડવાની જાહેરાત ભાદર સિંચાઈ અધિકારી દ્વારા કરવામાં આવી છે. જેને લઈ ભાદર કેનાલ સિંચાઈ આધારીત રવિ સીઝનનું વાવેતર કરતાં ખેડુતોમાં પાક લઈ શકાય નહિ તેવી ચિંતા ઉભી થઈ છે. ત્યારે વહેલી તકે કેનાલનું ગાબડું પુરીને પાણી છોડવામાં આવે તેવી ખેડુતોએ લાગણી વ્યકત કરી છે.