
મહિસાગર,
મહિસાગર જિલ્લાના વિધાનસભા વિસ્તારમાં વધુને વધુ મતદાન થાય તે હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર સવિશેષ પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે જિલ્લામાં મતદાન જાગૃતિ માટે અનેકવિધ જાગૃતિલક્ષી કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે. જે અન્વયે જિલ્લામાં અવસર લોકશાહીનો સ્વીપ અંતર્ગત જિલ્લાની માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રંગોળી,ચિત્ર સ્પર્ધા, મેરેથોન દોડ,મતદાન જાગૃતિને લગતી ફિલ્મ, સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ રેલી જેવા વિવિધ કાર્યક્રમોના માધ્યમથી લોકોને મતદાન માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે.

મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત મતદારોમાં મતદાન અંગે જાગૃતિ કેળવવા માટે મહિસાગર જિલ્લામાં સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી ભાવીન પંડયાના માર્ગદર્શન હેઠળ સો ટકા મતદાન માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત શિક્ષકો અને આચાર્યો ગ્રામજનોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ દ્વારા ફરજીયાત મતદાન કરો,મતદાર લોકશાહીનો રાજા છે અને મારો મત મારો અધિકાર જેવી રંગોળી દોરી નાગરિકોને મતદાન કરવા પ્રેરિત કરી રહ્યા છે.