મહિસાગર જીલ્લામાં તલાટી કમ મંંત્રીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ

લુણાવાડા,મહીસાગર જિલ્લામાં પણ 39 પરીક્ષા કેન્દ્રો પર 14,970 પરીક્ષાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. અલગ અલગ જિલ્લામાંથી પરીક્ષા આપવા આવેલા પરીક્ષાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તેને લઈને વહીવટી તંત્ર દ્વારા પણ સુચારૂં આયોજન કરવામાં આવ્યું હતું. તમામ કેન્દ્રો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. મહીસાગર જિલ્લામાં તલાટી કમ મંત્રીની પરીક્ષા માટે ફાળવવામાં આવેલા પરીક્ષા કેન્દ્રોના કે જ્યાં અલગ અલગ જિલ્લા માંથી આવેલા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા માટે પહોંચ્યા હતા અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી. અગાઉ આવેલા ઉમેદવારો માટે પોલીસ વિભાગ અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા રહેવા જમવા અને પરીક્ષા કેન્દ્ર પર સરળતાથી પહોંચી શકે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું. તો કેટલાક પરીક્ષાર્થીઓ આજે સવારથી બસ અને ખાનગી વાહનોના માધ્યમથી પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા. પોલીસ વિભાગ દ્વારા ઉમેદવારોને સારો સહકાર અને મદદ કરવામાં આવી હતી. છ થી સાત જગ્યાએ ચકાસણી કરી ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્ર પરથી બહાર આવી આયોજન અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, કોઈપણ અગવડ વગર તેઓ પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચ્યા હતા અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી. જુનિયર ક્લાર્કની પરીક્ષા કરતાં સહેલું પેપર હતું તેમ જણાવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ ગેરરીતિ વગર શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાય તેવી પૂરતી તકેદારી સાથે આયોજન કરવામાં આવ્યું હતું. આ રીતે મહીસાગર જિલ્લામાં આજે શાંતિપૂર્ણ માહોલમાં તલાટીની પરીક્ષા સંપન્ન થઈ છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ ગાંધીનગર દ્વારા આજે (રવિવાર) બપોરે 12.30થી 1.30ના સમયમાં યોજાયેલી ગ્રામ પંચાયત મંત્રી (તલાટી કમ મંત્રી)ની પરીક્ષા માટે લુણાવાડા તાલુકામાં 17 પરીક્ષા કેન્દ્રો પર 6,330 ઉમેદવારો નોંધાયા હતા. કડાણા તાલુકામાં 2-પરીક્ષા કેન્દ્રો 900 ઉમેદવારો નોંધાયો હતા. સંતરામપુર તાલુકામાં 6-પરીક્ષા કેન્દ્રો 2460 ઉમેદવારો નોંધાયા હતા. જ્યારે ખાનપુર તાલુકામાં 2-પરીક્ષા કેન્દ્રો 630 ઉમેદવારો અને વીરપુર તાલુકામાં 3-પરીક્ષા કેન્દ્રો 1260 ઉમેદવારો અને બાલાસિનોર તાલુકામાં 9-પરીક્ષા કેન્દ્રો 3390 ઉમેદવારો મળી મહીસાગર જિલ્લામાં કુલ 39 પરીક્ષા કેન્દ્રો 14,970 ઉમેદવારો નોંધાયા હતા.