
- પોલીસ પરેડ ગ્રાઉન્ડ લુણાવાડા ખાતે સાંસદ, જીલ્લા પંચાયત પ્રમુખની ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.
- મહીસાગર જીલ્લામાં 1.38 લાખથી વધુ યોગ અભ્યાસુઓ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બન્યા.
- માનગઢ, કડાણા, કલેશ્વરી ડાયનાસૌર પાર્ક સહિતના આઈકોનીક સ્થળો સહિત ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વિવિધ સ્થળો યોગમય બન્યા.
મહિસાગર,આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની થીમ સ્વયં અને સમાજ માટે યોગ થકી રાજ્ય સહિત રાષ્ટ્રના તમામ નાગરિકોનો તમામ સ્તરે વિકાસ થાય તે હેતુથી યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મહીસાગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ લુણાવાડા ખાતે જોડાયેલા યોગા અભ્યાસુઓને યોગ શિક્ષક દ્વારા કોમન યોગા પ્રોટોકોલનો અભ્યાસ કરાવાયો હતો.

આ અવસરે પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ, જીલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઇ પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોએ યોગ દિવસની શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે , યોગનું આચરણ આરોગ્ય, સંતુલન અને સહકાર માટે અદ્ભુત પ્રેરણા આપે છે. યોગ માત્ર આપણા જીવનનો એક હિસ્સો નથી, આજે, તે જીવન જીવવાની રીત બની જાય તેવી યોગ દિવસે પ્રેરણા સૌને લેવા અપીલ કરી હતી.

આ અવસરે સાંસદે જણાવ્યુ હતું કે, યોગ દ્વારા લોકોનો માનસિક અને શારીરીક સ્વાસ્થય સાથે સંપુર્ણ આધ્યાત્મિક વિકાસ થાય છે. યોગ, એ આપણી ભારતીય સંસ્કૃતિ છે. આપણાં ઋષિમુનીઓએ માનવજાતને આપેલ અમૂલ્ય ભેટ છે. આ મહામૂલી ભેટને વિશ્ર્વ ફલક પર નામના સાથે આજે વિશ્વ ની સમસ્ત માનવજાતને તેનો લાભ મળી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે દુનિયાના લોકો યોગ અપનાવવાથી તંદુરસ્ત અને સુખી બને તેવા ઉમદા આશયથી આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી સમગ્ર વિશ્વ માં યોગ દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી.

આ પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખે જણાવ્યું હતું કે, યોગ એ ભારતની વૈદિક સંસ્કૃતિ છે. ઋષિ-મુનિઓએ શોધેલો યોગ ભારતે વિશ્ર્વને આપેલી વિરાસત છે. પ્રાચીન સમયમાં યોગના કારણે લોકોના મન-શરીર-આત્મા તંદુરસ્ત રહેતા હતા. ઋષિ-મુનિઓની સાધના પદ્ધતિના લીધે અનેક લાભ કરાવતા આ યોગની આપણને વિરાસત મળી, પરંતુ યોગને સમગ્ર વિશ્ર્વમાં પ્રસારિત કરવાનું કામ એનો બહોળો પ્રચાર કરવાનું કામ અને તેની આંતરાષ્ટ્રીય માન્યતા અપાવવાનું કામ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે.
આ પ્રસંગે નડાબેટ ખાતેના મુખ્યમંત્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ તેમજ પ્રધાનમંત્રીના પ્રેરણાદાયી ઉદ્બોધનનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું.

આ પ્રસંગે જીલ્લા કલેકટર નેહાકુમારી, જીલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલ, જીલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા, પ્રાયોજના વહીવટદાર યુવરાજ સિધ્ધાર્થ, અધિક નિવાસી કલેકટર સી.વી.લટા, પ્રાંત અધિકારી સહિત જીલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ, યોગ અભ્યાસુઓ, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. મહીસાગર જીલ્લામાં માનગઢ રાઠડા બેટ, કલેશ્ર્વરી, વાવકૂવા, રૈયોલી સહિત આઈકોનીક સ્થળો ઉપરાંત વિવિધ સ્થળોએ 1.38 લાખથી વધુ યોગ અભ્યાસુઓએ જોડાઈને યોગ દિવસની ઉજવણી કરી હતી.