મહિસાગર,
આગામી તા.14મી માર્ચથી મહિસાગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ધો.10 અને ધો.12 ગુજરાત શિક્ષણ બોર્ડની પરીક્ષા યોજાશે. જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે શાંતિપૂર્ણ અને તંદુરસ્ત માહોલમાં પારદર્શિતા સાથે પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આગામી તા. 14મી માર્ચથી તા.29 માર્ચ, 2023 દરમિયાન પરીક્ષા કેન્દ્રો અને આજુબાજુના વિસ્તારોમાં પ્રતિબંધાત્મક બાબતો થઈ શકશે નહિ. પરીક્ષા કેન્દ્રોની 100 મીટર ત્રિજ્યામાં આવેલા ઝેરોક્ષ/ફેકસનાં વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓના ઝેરોક્ષ તેમજ ફેકસ મશીનના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે. પરીક્ષા કેન્દ્રો પર મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ, બ્લુટુથ, ઈયરફોન, કેમેરા, લેપટોપ લઇ જવા પર પ્રતિબંધ રહેશે. પરીક્ષાના સમય દરમિયાન પરીક્ષા કેન્દ્રની 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા થવાં પર પ્રતિબંધ છે. પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાર્થીઓ તથા ફરજ પરના સ્ટાફ કે અધિકૃત વ્યક્તિ સિવાય અનઅધિકૃત વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. પરીક્ષાર્થી કે તેના સાથે સંકળાયેલા કોઈ પણ કર્મચારી તેઓના મોબાઈલ પરીક્ષા બિલ્ડીંગમાં લઈ જઈ શકશે નહીં. આ ઉપરાંત કોઈ પણ તરકીબ વાપરી પરીક્ષાર્થીઓને પરીક્ષા વિષયક ચોરી કરવા/કરાવવામાં સીધી કે આડકતરી મદદગારી કરવી નહીં, પરીક્ષા સંબંધી ચોરી ગણાય તેવી કોઈ પણ વસ્તુ ઈલેક્ટ્રોનીક આઈટમ/પુસ્તક, કાપલીઓ, મોબાઈલ ફોન, ઝેરોક્ષ નકલનું વહન કરવું નહીં કે કરાવવામાં મદદગારી કરવી નહીં અને પરીક્ષા કેન્દ્રની આજુબાજુના વિસ્તારમાં માઈક, લાઉડ સ્પીકર, ડી.જે.સાઉન્ડ વગાડવા પર આ જાહેરનામાનો ઉલ્લંધન કરનારને ભારતીય દંડ સંહિતાની કલમ-188 મુજબ સજાપાત્ર છે.