મહિસાગર જીલ્લામાં આર.બી.એસ.કે. યોજના અંતર્ગત વાહન કૌભાંડ અંગે ગાંધીનગર કક્ષાએથી તપાસ બાદ તાકીદ છતાંં એજન્સીને છાવરનાર આરોગ્ય અધિકારીઓનું પેટનું પાણી હાલતુંં નથી !

  • જીલ્લામાં દોડતા આરોગ્ય વિભાગના 21 વાહનોનું ધુપ્પલ : સરકારી નાણાંનો વેડફાટ.
  • 3-3વાર નિયામક કક્ષાએથી તપાસ બાદ જરૂરી સુચનાનુંં પાલન કરવામાં નહીં આવ્યું એટલું જ નહીં માતબર રકમ ચુકવવા અધીરા.
  • આરોગ્ય વાહનોના નામે ચાલતી ગેરરીતિ દબાવી દેવાના બાલીશ પ્રયત્નોથી જાગૃત નાગરિકોમાં ભારે નારાજગી.
  • જરૂરી નિયમોનુંં ઉલ્લંધન સાથે ખખડધજ અને અકસ્માત સર્જે તેવા વાહનોના કારણે બાળ દર્દીઓ પણ બેસતા ભયની લાગણી અનુભવે છે.
  • ટેન્ડર શરતોનો ભંગ કરવા છતાં એજન્સી સામે કોઈ પગલાં નહીં ભરનાર દોષીયો સામે શિક્ષાત્મક પગલાં ભરાય તેવી માંગ.

ગોધરા,છેલ્લા એક વર્ષથી આર.બી.એસ.કે. યોજના અંતર્ગત મહિસાગર જીલ્લાના આરોગ્ય તંત્રમાં વિવાદાસ્પદ ખાનગી બાલાજી એજન્સી દ્વારા 21 જેટલી વાન મારફતે નીતિનિયમોનો ભંગ કર્યા અંગેની ગંભીર ફરિયાદો બાદ વર્ષ દરમિયાન 3-3 વખત ગાંધીનગરથી નિયામક કક્ષાની ટીમ આવીને તપાસ હાથ ધરી ગઈ છે. જરૂરી પુરાવા તથા સરકારના નિયમોનુસાર કાર્યરત છે કે કેમ ? તે અંંગેના ગુપ્ત અહેવાલોમાં પણ ખુલ્લેઆમ ટેન્ડરનું ઉલ્લંધન થઈને માતબર રકમ ચુકવણા થયા હોવાનું પણ જણાઈ આવવા છતાં સમગ્ર કૌભાંડના પ્રકરણને દબાવી દેવાના થઈ રહેલા કાવાદાવા વચ્ચે આજદિન સુધી સાંઠગાંઠના કારણે દોષિતો સામે કોઇ શિક્ષાત્મક પગલાં ભરવામાં નહીં આવતા જીલ્લા આરોગ્ય વિભાગની કાર્યરીતિ સામે પ્રજામાં અનેક મતમતાંતરો ઉઠયા છે.

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (આર.બી.એસ.કે.) કેન્દ્ર સરકારની 0 થી 18 વર્ષના બાળ દર્દીઓ માટે આર્શીવાદરૂપ યોજના થકી દર્દીઓને સારવાર માટે વાન ઉપ્લબ્ધ કરાવાય છે. જેના ભાગરૂપ મહિસાગર જીલ્લામાં જીલ્લા પંચાયત હસ્તકની આરોગ્ય શાખા દ્વારા અમલીકરણ કરાઈને 21 જેટલા વાહનો કાર્યરત કરાયા છે. જેના માટે હાથ ધરાયેલી ટેન્ડર પ્રક્રિયામાં બાલાજી નામની ખાનગી કોન્ટ્રાકટર એજન્સીએ લાભ મેળવીને ટેન્ડરના શરતો મુજબ વાહનો મુકવાની બાંહેધરી આપી હતી. પરંતુ સ્થાનિક આરોગ્ય તંંત્રની મીલીભગતથી ખાનગી કોન્ટ્રાકટર એજન્સીએ સરકારના નકકી કરાયેલ નિયમોને ધોળીને પી ગયા હતા. જેમાં 7,50,000 કિલો મીટર પૂર્ણ કરી ચુકેલા ભંગાર ગ્રસ્ત વાહનો દોડાવાઈને ટેકસી પાર્સીંગ મેળવેલ નથી, સીએનજી કીટ દેખાડો કરીને અગત્યનો પાર્સીંગ મેળવાયેલ નથી, જીપીએસ સીસ્ટમ ગોઠવાયેલ નથી, ફિટનેસ સર્ટીફિકેટ પણ મેળવેલ નથી, ખાસ કરીને સરકારના આવા મહત્વાકાંક્ષી કાર્યક્રમો અંગેની જાહેરાત દર્શાવાત સ્ટિકરો સમગ્ર વાનની ચારેતરફ લગાવવાના હોવા છતાં લગાવેલા જોવા મળતા નથી. માત્ર સ્થાનિક આરોગ્ય અધિકારીઓની આંખ આડા કાન કરવાના લીધે આવા વાહન ચાલકો રોડ ઉપર ખાનગી મુસાફરોની હેરાફેરી કરતાં પણ દેખવા મળે છે. સરકાર દ્વારા નકકી કરાયેલ આવા શરતોનો ભંગ કરવા છતાં કોઈપણ જાતની ચકાસણી વિના જીલ્લા તંત્ર દ્વારા માતબર રકમ ફાળવી દેવામાં આવી છે. જે ગેરરીતિ આચરાઈ હોવા છતાં ‘આવ ભાઈ આપણે સરખાં’

જેવી નીતિ અપનાવીને સરકારી નાણાંનો દુરવ્યય કરવામાં આવ્યો હોવાની ચિંતાજનક બાબતે જાગૃત નાગરિકો દ્વારા મુખ્યમંત્રી તથા આરોગ્ય વિભાગમાં ધારદાર અને ગંભીર રજુઆતો વાંરવાર કરવામાં આવી હતી. પરિણામે ગાંધીનગર કક્ષાએથી નિયામક કક્ષાની ટીમ મહિસાગર જીલ્લાની મુલાકાત લઈને આકસ્મિક વાહનોની તપાસની હાથ ધરતા નિયમોનું ઉલ્લંધન કરીને વાહનો મુકાયા હોવાનુંં જણાઈ આવતાં તપાસ ટીમ ડધાઈ ગઈ હતી. જોકે, 3-3 વખત રાજ્યકક્ષાએથી તપાસ હાથ ધરવા છતાં અને જરૂરી સુચના આપવા છતાં જીલ્લા આરોગ્ય તંત્રનું પેટનું પાણી ન હાલીને કાગળ ઉપર યોજના દોડાવાઈ રહી છે. ખરેખર, આવી ખખડધજ અને જાનના જોખમે દોડાવવામાં આવતી એવી કહેવાતી સરકારી ભાડાને વાહનો કોઈ દિવસ મોટી દુર્ધટનાનો ભોગ બને તો જવાબદાર કોણ ? તે પણ તપાસ માંગી લેતો વિષય છે. ત્યારે 3-3 વખત જીલ્લાતંત્રને જરૂરી સુચના સાથે કડક શબ્દોમાં તાકીદ કરવા છતાં કોઈ ફેરફાર કે હકારાત્મક સુધારો નહીં જોવાતા હવે પરોક્ષ કાંતો પ્રત્યક્ષ રીતે જવાબદાર આરોગ્ય અધિકારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી ધટે તેવી માંગ ઉઠી છે.

ટેકસી પાર્સીગના બદલે કોર્મશીયલ અને ગુડસ વ્હીકલ દોડાવાઈ છે ?

ટેન્ડરમાં મુકાયેલ શરતોને ઘોળીને પી જનાર ખાનગી કોન્ટ્રાકટ એજન્સીએ આડેધડ અને મનસ્વીપણે વાહનો મુકવામાં આવતાં મુસાફરી કરનાર બાળ દર્દીઓ તથા આરોગ્ય સ્ટાફ ભયભીત બનેલો છે. સામાન્ય રીતે ટેકસી પાર્સીગ કરેલી વાહનો મુકવાની જોગવાઈ હોવા છતાં મળેલી માહિતી પ્રમાણે કોન્ટ્રાકટરે કોર્મશીયલ અને ગુડસ વ્હીકલ પણ બાળ દર્દીઓની સેવામાં દોડાવાતા હોવાનું પણ દસ્તાવેજો આધારે જાગૃત નાગરિકો આંધળી ચીંધી રહ્યા છે. ત્યારે ‘વેલે જ ચિભડાં ગળતા હોય તો કોને કહેવું ’ ?

વારંવાર વાહનો બદલવાની કુટેવના કારણે ફરજ પરના વાહનો ઉપર મહિનાઓ સુધી જી.પી.એસ. કે સ્ટીકર લગાવતા નથી…

ખાનગી કોન્ટ્રાકટ એજન્સી દ્વારા બાળ દર્દીઓની સેવામાં મુકાયેલ વાહનો અને રજુ કરાયેલા દસ્તાવેજોમાં ઘણી વિસંગતતાઓ જોવા મળે છે. સામાન્ય રીતે સરકારના નકકી કરાયેલ શરતો મુજબ નવી નકોર અને જરૂરી સર્ટીફિકેટ વાહન માલિકના તંત્રમાં જમા કરાવાઈ છે. પરંતુ વાસ્તવિક સ્થિતીએ દર અઠવાડિયે કે પંદર દિવસે સમયાંતરે વાહનો બદલાવવાને કુટેવ એજન્સી ધરાવે છે. અને જે વાહનોનું કરાર કરેલ હોય તેવા વાહનોને ગણતરીના દિવસોમાં છુટા કરાયા બાદ સ્ટીકર અને જી.પી.એસ.વાળા ખાનગી સેવામાં મુકતપણે વપરાશ કરાઈ રહ્યો છે. વારંવાર વાહનો બદલાવવાની કુટેવ ધરાવતી એજનસી દ્વારા નવ નિયુકત થયેલ કરારના વાહનો ઉપર મહિનાઓ સુધી જી.પી.એસ.કે આર.બી.એસ.કે. સ્ટીકર લગાવવામાં આવતા નથી. પરિણામે આવા વાહન ચાલકોને ખાનગી મુસાફરી કરવામાં ધણી સરળતા મળતી હોવાનુંં પણ કહેવામાં આવી રહ્યું છે. એવુંં પણ કહેવાય છે કે, ગ્રામ્ય સ્તરે કા કામ કરતા આશા વર્કરો અને વાહન ચાલકો વચ્ચે સાંઠગાંઠ ધરાવતા હોય તે આધારે જો લાંબા અંતરનો રૂટ હોય તો આવા વાહન માલિકો જ દર્દીઓને ભાડા ખર્ચી આપીને તેઓને જીલ્લાકક્ષાએ બોલાવી દેવામાં આવે છે. જેથી ઈંધણનો બચત કરીને તે નાણાં ખીસ્સામાં સેરવી દેવામાં0 અનુકુળતા રહે છે. છેલ્લા કેટલાક સમયથી આવી અગત્યની ગંભીર બેદરકારીના કારણે ગાંધીનગર તથા લુણાવાડા ખાતેથી અધિકારીઓ વાહનો કયા રૂટ પર દોડી રહ્યા છે. તે જાણી શકતા નથી અને કયા રૂટ પર કેટલો સમયગાળો લાગશે તેનું અનુમાન કરી શકતા નથી. પરિણામે દિવસ દરમિયાન પુરતા પ્રમાણમાં દર્દીઓને સારવાર આપી શકાતી નથી અને સરકારના નાણાંનો વેડફાટ થતો જોવા મળે છે.

કૌભાંડ પ્રકરણ પર પડધો પાડી દોષીયોને બચાવવાના નિમ્ન પ્રયાસો…

ગાંંધીનગર કક્ષાએથી હાથ ધરવામાં આવેલી તબકકાવારની તપાસમાં આશરે પાંચ હજાર કરતા વધારે પાનાના દસ્તાવેજો એકત્રિત કરવામાં આવેલા હોવાનું જાણવા મળેલ છે. એટલું જ નહિ મહિસાગર જીલ્લામાં બે કરોડ જેટલી કિંમતના વાહનોની તપાસ અંતિમ તબકકામાં હોવા છતાં સમગ્ર દોષીયોને બચાવવા અને સમગ્ર કૌભાંડ પ્રકરણમાંં પરદો પાડવાના નિમ્ન કાર્ય અંદરખાનગી થઈ રહ્યું છે. તમામ વાહનો નીતિનિયમોનુંં ભંગ કરીને ગેરકાયદેસર રીતે આર.બી.એસ.કે.યોજના હેઠળ વાહનો ચાલતાં હોવવા છતાં પણ ત્રણ વર્ષથી વાહનોને આડેધડ અને જેવી ગ્રાંન્ટ આવે તેવી એજ દિવસોમાંં કોઈપણ જાતની ચકાસણી વિના ચુકવી દેવામાં આવે છે. એવુંં પણ કહેવામાં આવે છે કે, જીલ્લામાં જીલ્લા તંત્ર પણ ટેન્ડર તાલુકા વાઈસ કરીને નિયમોનો ભંગ કરી રહ્યા હોવાના પણ આક્ષેપો ઉઠયા છે.