મહીસાગર જીલ્લામાં પોલીસ અધિક્ષકના અધ્યક્ષસ્થાને મલેકપુર થી 5 કિમી દૂર આવેલ શેણાદરિયા- જૂના ગોરાડા પ્રાથમિક શાળા અને નવનિર્માણ વિદ્યાલય ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો.

મલેકપુર, સમગ્ર રાજ્યની સાથે મહીસાગર જીલ્લામાં પણ ‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની’ થીમ અન્વયે તા.28 જૂન સુધી ત્રિ-દિવસીય ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાનાર છે. જે અન્વયે આજરોજ બીજા દિવસે જીલ્લાના લુણાવાડા તાલુકામાં પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને શેણાદરિયા- જૂના ગોરાડા પ્રાથમિક શાળા અને નવનિર્માણ વિધ્યાલય ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભૂલકાઓને મહાનુભાવોએ શૈક્ષણિક કીટ આપી શાળામાં પ્રવેશ અપાવ્યો હતો.

આ પ્રસંગે પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાએ ઉપસ્થિત બાળકોને શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું અને જણાવ્યું હતું કે શિક્ષણ થકી જીવનમાં કેવી રીતે પરિવર્તન લાવી શકાય છે. બાળકોએ ફોનના વધુ ઉપયોગથી દૂર રહેવું જોઈએ. આ સમય કારકિર્દી બનાવવાનો સમય છે. આ ઉપરાંત બાળકોએ વ્યસનથી દૂર રેહવું જોઈએ અને પોતાનો કીમતી સમય શિક્ષણમાં આપવો જોઈએ.

‘ તદુપરાંત પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા દ્વારા એસ.એમ.સી. કમિટી અને શાળાના શિક્ષકો સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં તેઓના પ્રશ્ર્નો, સમસ્યાઓ સાંભળી શૈક્ષણિક સુવિધા, ગુણવત્તાલક્ષી શિક્ષણ, બાળકોના અભ્યાસ, તેમનામાં સકારાત્મક અભિગમ વિકસાવવા પર વિશેષ ભાર આપવા કેટલાંક રચનાત્મક સૂચનો આપીને માર્ગદર્શિત કર્યા હતાં. મહાનુભાવોના શાળાના ડિજીટલ વર્ગખંડની મુલાકાત લેવામાં આવી હતી.

મહાનુભાવોના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને નવીન પ્રવેશ મેળવનારા બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવેલ, જેના પરિણામે બાળકોના અને વાલીઓના ચહેરા પર ખુશાલી જોવા મળી હતી. કાર્યક્રમના અંતે મહાનુભાવોએ શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશ પાઠવ્યો હતો.

આ કાર્યક્રમમાં ગામના સરપંચ, પદાધિકારીઓ, શાળાના આચાર્ય, શિક્ષકો સહિત ગ્રામજનો અને શાળાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.