લુણાવાડા, મહિસાગર જિલ્લામાં મઘ્ય ગુજરાત વીજ કંપની દ્વારા આગામી દિવસોમાં સ્માર્ટ પ્રિપેઈડ મીટર લગાવવામાં આવશે. વીજ કમ્પની દ્વારા જિલ્લામાં અંદાજે 1.78 લાખ સ્માર્ટ પ્રિપેઈડ મીટર લગાવવામાં આવશે. પ્રથમ તબકકામાં આ સ્માર્ટ મીટર જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં લગાવવામાં આવશે. ત્યારબાદ જિલ્લામાં સમયાંતરે રહેણાંક ધર, ઓૈઘોગિક એકમ, વોટર વર્કસ, અને સામાન્ય હેતુના ગ્રાહકોને પરંપરાગત મીટરની જગ્યાએ સ્માર્ટ મીટર ફિટ કરાશે.સ્માર્ટ મીટરથી વાસ્તવિક સમયમાં વીજળીના વપરાશ પર નિયંત્રણ રાખી શકાશે.
મહિસાગર જિલ્લામાં એમજીવીસીએલના અંદાજે 210703 વીજ ગ્રાહકો છે. જે પૈકી 1.78 લાખ ગ્રાહકોને ત્યાં વીજ કંપની દ્વારા આગામી દિવસોમાં સ્માર્ટ પ્રિપેઈડ મીટર લગાવવામાં આવશે. આ સ્માર્ટ મીટર સોૈપ્રથમ જિલ્લાની સરકારી કચેરીઓમાં લગાવવામાં આવશે. જેમાં ગ્રામ પંચાયત સહિત તમામ સરકારી કચેરીઓનો સમાવેશ થાય છે. આવનાર સમયમાં સમયાંતરે કૃષિ વિષયક વીજ મીટર, સોલર વીજ ગ્રાહકો સિવાયના ગ્રાહકોને ત્યાં સ્માર્ટ વીજ મીટર ફિટ કરવામાં આવશે. આ સ્માર્ટ મીટર લગાવવા માટે ગ્રાહક પાસેથી કોઈ વધારાના ખર્ચ વસુલવામાં નહિ આવે. હાલના વીજ મીટરને બદલીને સ્માર્ટ મીટર લગાવવામાં આવશે. સ્માર્ટ મીટર મફત છે. સ્માર્ટ મીટરથી ગ્રાહક મોબાઈલ ફોન પર સચોટ વીજળી બિલ સરળતાથી મેળવી શકે છે. ગ્રાહક પોતે ઓનલાઈન મોબાઈલ કાર્ડની જેમ સ્માર્ટ વીજ મીટર રિચાર્જની સુવિધા મેળવી શકશે.