ભવિષ્યમાં નીરોગી જીવન જીવવા માટે એક માત્ર ઉપાય એટલે પ્રાકૃતિક ખેતી – શૈલેષભાઈ હીરાભાઈ પટેલ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના ખેડૂતોને આહ્વાન કર્યું છે કે આત્મનિર્ભર ખેતી-આત્મનિર્ભર ખેડૂત થકી જ આત્મનિર્ભર ભારતના સંકલ્પને પૂર્ણ કરી શકાશે અને ભારતના ખેડૂતને સમૃદ્ધ બનાવવાનું આ સપનું પ્રાકૃતિક ખેતી થકી જ સાકાર થશે. ગાય આધારિત પ્રાકૃતિક ખેતી એ વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયેલી પદ્ધતિ છે. તેનાથી અનેક ખેડૂતોને ફાયદો થયો છે. ખેતીની ઉપજ પણ વધી છે. રાજ્ય સરકારના પ્રાકૃતિક કૃષિ અંગેના દેશી ગાય આધારીત ખેતીના પ્રયાસો થકી ગુજરાતમાં ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીને અપનાવી છે. પ્રાકૃતિક ખેતીની તાલીમ અને માર્ગદર્શન માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શનમાં તજજ્ઞોની ટીમ પણ આ દિશામાં પ્રયત્નશીલ છે અને ખેડૂતોને તાલીમબદ્ધ કરી રહ્યા છે. આવા જ એક હડમતીયા ગામના શૈલેષભાઇ પટેલે પ્રાકૃતિક કૃષિનું પંચસ્તરીય મોડલ અપનાવી ઓછી જમીનમાં વધુ આવક મેળવી સ્વાસ્થ્ય વર્ધક ખેત ઉત્પાદનો સાથે આર્થિક સમૃધ્ધિના દ્વાર ખોલ્યા છે.
પ્રાકૃતિક કૃષિકાર તરીકે સફળતા તરફ પ્રગતિ કરતા લુણાવાડા તાલુકાના હડમતીયા ગામના શૈલેષભાઈ હીરાભાઈ પટેલ પોતાની પ્રાકૃતિક ખેતી અંગે જણાવે છે કે, હું પેહલા રાસાયણિક ખેતી કરતો હતો. આ રાસાયણિક ખેતીમાં ખર્ચ વધુ અને ઉત્પાદન ઓછું થતું હતું. ત્યારબાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એ જે પ્રાકૃતિક ખેતીનું અભિયાન ચલાવી રહ્યા છે તે અંગે માર્ગદર્શન લઈ મે પણ પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ લઈ મે મારા ખેતરમાં છેલ્લા ચાર વર્ષથી પ્રાકૃતિક ખેતી કરૂં છું.
શૈલેષભાઈ વધુમાં જણાવ્યું હતું કે, હું મારા ખેતરમાં ઘઉ, ચણા, બાજરી, મગફળી જેવા અનેક પાકોનું વાવેતર કરી વેચાણ કરી વધુ આવક મેળવી રહ્યો છું. હાલ મે મારા ખેતરમાં ભીંડાનું વાવેતર કર્યું છે અને તેના થકી હું રોજની 900 રૂપિયાની આવક મેળવી રહ્યો છું. જેથી પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ખર્ચ ઓછું અને આવક ડબલ મળે છે માટે દરેક લોકોએ પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ.
તેમણે જણાવ્યું હતું કે, મારી સાથે હું આજુબાજુના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે તાલીમ આપી રહ્યો છું. જેથી બીજા લોકો પણ પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરાય દરેક લોકો પ્રાકૃતિક ખેતી કરી નીરોગી જીવન જીવી શકે. આ પ્રાકૃતિક ખેતી થકી જમીનની ગુણવત્તા પણ વધે છે. ભવિષ્યમાં નીરોગી જીવન જીવવા માટે એક માત્ર ઉપાય એટલે પ્રાકૃતિક ખેતી.