મહીસાગર જીલ્લામાં જરૂરતમંદોને પોતાનાં પાકા મકાનનું સ્વપ્ન સાકાર કરવામાં આર્શીવાદરૂપ બની ડો. આંબેડકર આવાસ યોજના

મહિસાગર,સામાન્ય રીતે દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તેની પાસે પોતાની માલિકીનું એક પાકુ મકાન હોય. દરેક પાત્રતા ધરાવતા કુટુંબને પાકા આવાસની સુવિધા ઉપલબ્ધ કરાવવા ડો. આંબેડકર આવાસ યોજના અમલીકૃત છે. આ યોજના અંતર્ગત સરકાર ગ્રામીણ વિસ્તારનાં આર્થિક રીતે નબળા વર્ગને પોતાનું પાકું મકાન બનાવવા માટે રૂ.1.20 લાખની આર્થિક સહાય પૂરી પાડે છે. નળિયાની છત, માટીથી બનેલા કાચા મકાન ધરાવતા આર્થિક રીતે નબળા વર્ગનાં પરિવારો માટે આ યોજના રહેઠાણની સુવિધાનું ચિત્ર બદલી રહી છે. મહીસાગર જીલ્લાનાં સંખ્યાબંધ જરૂરતમંદ પરિવારોને આ યોજના અંતર્ગત પોતાના મકાનને પાકુ બનાવવા માટે આર્થિક સહાય મળી છે.

ડો.આંબેડકર આવાસ યોજનાના લાભાર્થી લુણાવાડા તાલુકાનાં આગરવાડા ગામમાં રહેતા વણકર બાબુભાઇ જણાવે છે કે ખેતી કામ અને પશુપાલન કરીને અમે અમારા પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ હમારી આર્થિક પરિસ્થિતિ એવી ન હતી કે અમે પૈસા ભેગા કરી પાકું મકાન બનાવી શકીએ અમે પહેલા કાચા મકાનમાં રહેતા હતા. આ સમયે અમને ખૂબ જ તકલીફો પડતી હતી. ડો.આંબેડકર આવાસ યોજનાના લાભાર્થીઓમાં અમારો સમાવેશ થવાથી અમને સરકાર દ્વારા રૂપિયા 1 લાખ 20 હજારની સહાય મળવાથી અમે પાકું આવાસ બનાવ્યું છે હવે અમે અમારા પરિવાર સાથે આ પાકા આવાસમાં શાંતિથી રહી શકીએ છીએ.

જો અમને સરકારની સહાય ના મળી હોત તો અમે પાકું મકાન ના બનાવી શક્યા હોત તેમ જણાવતા બાબુભાઇ કહ્યું કે, સરકારે અમારા જેવા ખેતી અને પશુપાલન કરતા પરિવારોની ચિંતા કરીને અમને આ પાકા આવાસની સુવિધા આપી છે. તે બદલ અમે સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ.