મહિસાગર જિલ્લામાં ગરમી વધતા માટીના માટલાની માંગ વધી

લુણાવાડા,

મહિસાગર જિલ્લામાં ગરમીનો પારો વધી જતા દેશી ફ્રિજ ગણાતા માટીના માટલાની માંગ ખુબ વધી જવા પામી છે. હેલ્થકોન્સિયલ લોકોની પહેલી પસંદ માટીના માટલાની હોય છે. તેના કારણે મહિસાગર જિલ્લામાં માટીના માટલાની માંગ વધી ગઈ છે.

લુણાવાડા-બાલાસિનોર, સંતરામપુર સહિતના શહેરોમાં માટીના દેશી માટલા વેચવામાં આવી રહ્યા છે. આ માટલામાં પાણી કુદરતી રીતે ઠંડુ રહેતુ હોય છે તેના કારણે સ્વાસ્થ્ય માટે જાગૃત લોકો તેની પહેલી પસંદગી કરતા હોય છે. અત્યારના આધુનિક જમાનામાં ઠંડુ પાણી રાખવા માટે ધણા અલગ અલગ પ્રકારના ઉપકરણોના ઉપયોગ કરવામાં આવી રહ્યા છે. લોકો ફ્રીજ અને ડીપ ફ્રીજરમાં પાણીને ઠંડુ રાખતા હોય છે. જે માનવ શરીર માટે હાનિકારક બની શકે છે. આવા પાણી પીવાના કારણે શરીરમાં રોગો વધી જતા હોય છે. સ્વાસ્થ્ય માટે જાગૃત લોકો અત્યારના જમાનામાં પણ માટલાનુ પાણી પીવાનુ પસંદ કરતા હોય છે. શરદી-ખાંસી અને અસ્થમાથી પીડિત લોકોએ માટલાનુ જ પાણી પીવુ જોઈએ. માટીના વાસણ બનાવવા માટે માટી વપરાય છે તેમાં ખનીજ અને એનર્જી હોય છે. જેથી તેમાં ભરેલુ પાણી પીવાથી શરીરને ફાયદો થાય છે. જે વ્યકિતઓએ પાચનની સમસ્યા હોય તે વ્યકિતઓએ માટલાનુ પાણી પીવુ જોઈએ જેનાથી તેની પાચનની સમસ્યા દુર થઈ જાય છે.