મહિસાગર જિલ્લામાં ડાંગરના ટેકાના ભાવે ખરીદી શરૂ : પ્રતિ મણ 408 રૂપિયા

લુણાવાડા,

મહિસાગર જિલ્લાનો મુખ્ય પાક ડાંગર છે. અને સમગ્ર જિલ્લામાં ડાંગરનુ મબલખ ઉત્પાદન થાય છે. સરકાર દ્વારા ખેડુતોએ પકવેલ પાકનુ સારામાં સારૂ મુલ્ય મળે તે માટે સરકાર દ્વારા ખેડુતોએ પકવેલ પાકની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. જે અંતર્ગત મહિસાગર જિલ્લામાં ડાંગરના પાકની ટેકાના ભાવે ખરીદી શરૂ કરી દેવામાં આવી હતી. આજદિન સુધીમાં મહિસાગર જિલ્લામાં 28 કરોડથી વધુ રૂપિયાની ડાંગર ખરીદી ખેડુતો પાસેથી કરી લેવામાં આવી છે. જે ખેડુતો બાકી છે તેમની ડાંગર ખરીદી આવનાર સમયમાં કરી લેવામાં આવશે. નોંધનીય છે કે, મહિસાગર જિલ્લાનો મુખ્ય પાક ડાંગર છે. અને જિલ્લામાંથી 5226 ખેડુતોએ ટેકાના ભાવે ડાંગર આપવા રજીસ્ટ્રેશન કરાવ્યુ હતુ. જેમાંથી 2303 ખેડુતોની ડાંગર ખરીદી લેવામાં આવી છે. બાકી રહેલા 2923 ખેડુતો આગામી દિવસોમાં ડાંગરની ખરીદી કરી લેવામાં આવશે. સરકાર દ્વારા ડાંગરનો ટેકાનો ભાવ 408 રૂ.પ્રતિ મણ છે. જયારે બજારનો ભાવ 310 થી 340 રૂપિયા જેટલો છે. જેથી ખેડુતોને સારો ભાવ મળતો હોવાથી ટેકાના ભાવે ડાંગર વેચવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. જે ખેડુતો પાસેથી ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવાની છે તે ખેડુતો લુણાવાડા માર્કેટિંગ યાર્ડ (એ.પી.એમ.સી.)ખાતે ડાંગર વેચવા માટે કડકડતી ઠંડીમાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.