લુણાવાડા,સરકાર દ્વારા ખેડુતોને મખમલી પાક એવો ડાંગરનો ભાવ સારો મળે તે માટે સરકારે ટેકાના ભાવ જાહેર કરીને ખરીદી કરે છે. ત્યારે મહિસાગર જિલ્લામાં ચાલુ વર્ષે 40 હજાર હેકટરમાં ડાંગરનુ વાવેતર કરવામાં આવ્યુ છે. સરકાર દ્વારા ડાંગરની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરવા માટે જાહેરાત કરતા મહિસાગર 8804 ખેડુતોએ ઓનલાઈન નોંધણી કરાવી હતી. ખેડુતોને પોષણક્ષમ ભાવ મળી રહે તેને માટે ડાંગર માટે રૂ.436 જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તા.1નવેમ્બરથી ડાંગર ખરીદી શરૂ કરવામાં આવી હતી. જેમાં 2712 ખેડુતોએ 31 હજાર મણ ડાંગર સરકારી ટેકાના ભાવે આપી હતી. ત્યારબાદ ટેકાના ભાવ કરતા બજારમાં 450 રૂપિયાનો ભાવ મળતા ખેડુતોએ ટેકાના ભાવે ડાંગર આપવાનુ બંધ કર્યુ હતુ. લુણાવાડા પુરવઠા નિગમના મેનેજર દ્વારા ખેડુતોને મેસેજ કર્યા હતો 150 ખેડુતોમાંથી ફકત 39 ખેડુતો ડાંગર વેચવા આવ્યા હતા. અને હજુ થોડા દિવસમાં વધુ ભાવ વધવાની શકયતાઓ દેખાઈ રહી છે. ત્યારે સરકારી ટેકાના ભાવે આપેલ 2712 ખેડુતોને માર્કેટ ભાવ કરતા ઓછા મળતા રોષ ફેલાયો હતો. અને જે રીતે બાજરીની ખરીદીમાં 60 રૂપિયા અલગથી બોનસ આપ્યુ તેમ ડાંગરમાં પણ અલગથી બોનસ માટે ખેડુતો માંગ કરી રહ્યા છે.