મહિસાગર જિલ્લામાં દલિત કલાર્કની આત્મહત્યાના કેસમાં પ્રાંત અધિકારીના આગોતરા જામીન નામંજુર

બાલાસિનોર, દલિત કલાર્કની આત્મહત્યા મામલે બાલાસિનોર સંતરામપુર પ્રાંત અધિકારી કોૈશિક યાદવ, નાયબ મામલતદાર એ.વી.વલવાઈ, નિલેશ શેઠ તેમજ કોમ્પ્યુટર ઓપરેટર શૈલેષ પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. ત્યારે સંતરામપુર પ્રાંત અધિકારી કોૈશિક યાદવે મહિસાગર જિલ્લા કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી જે નામંજુર કરવામાં આવતા સરકારી વિભાગમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કડાણા મામલતદાર કચેરીમાં નોકરી કરતા દલિત કલાર્ક અલ્પેશ માળીએ ઉપલા અધિકારીઓ પરેશાન કરે છે તેવો પત્ર લખ્યો હતો. ત્યારબાદ કલાર્ક અલ્પેશ માળી તેના બાલાસિનોરના નિવાસ્થાન પર મૃત મળી આવ્યો હતો. આ મામલે કોર્ટમાં જતા કોર્ટ દ્વારા મહિસાગર પોલીસને પ્રાંત અધિકારી સહિત અન્ય ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધવાનો હુકમ કરવામાં આવ્યો હતો. બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં ચાર અધિકારીઓ સંતરામપુર પ્રાંત અધિકારી કોૈશિક યાદવ, નાયબ મામલતદાર એ.વી.વલવાઈ, નિલેશ શેઠ, તેમજ કોમ્પ્યુટર ઓપરેટર શૈલેષ પટેલ વિરુદ્ધ બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 306, 181, 182, તથા 114 અને એટ્રોસિટી એકટની કલમ 3(1)(10)મુજબ ફરિયાદ નોંધાવવા પામી હતી. તમામ અધિકારીઓ પોલીસ પકડથી બચવા ભુગર્ભમાં ઉતરી ગયા છે. અગાઉ નાયબ મામલતદાર એ.વી.વલવાઈ દ્વારા આગોતરા જામીન અરજી કરાતા નામંજુર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રાંત અધિકારી કોૈશિક યાદવ દ્વારા આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી હતી તેને પણ એડિશનલ સેશન્સ જજે નામંજુર કરી છે.