મહિસાગર જિલ્લાના વૈજ્ઞાનિકના દસ્તાવેજ અને પ્રમાણપત્રો બનાવી અને સરકારના નાણાંની ઉચાપત કરનાર બાકોર પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષકને મહિસાગર એડિ.ચીફ જયુડિ.મેજીસ્ટ્રેટે પાંચ વર્ષની સાદી કેદ તથા દંડનો હુકમ ફટકાર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી જગદીશચંદ્ર ઉર્ફે ભીખાભાઈ નાથાલાલ ત્રિવેદી(રહે.ખડોદી, તા.ખાનપુર)પહેલા પણ વખતે પોતે બાકોર ખાનપુર પ્રાથમિક શાળામાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. પોતે સરકારી કર્મચારી હોવા છતાં પોતે વેૈજ્ઞાનિક હોવાની ખોટી છાપ ઉભી કરી અને બોગસ વૈજ્ઞાનિકના દસ્તાવેજ અને પ્રમાણપત્રો બનાવી અને સરકારના નાણાંની ઉચાપત કરવા સારૂ રિસર્ચ મંત્રાલય દિલ્હીના નામના બોગસ હુકમો બનાવી અને ખોટા સિકકા અને લેટરપેડ બનાવી જે દસ્તાવેજોના આધારે જેનો ખરા તરીકે ઉપયોગ કરી સરકારી નાણાં રૂ.12,77,500/-ની ઉચાપત કરવાની કોશિષ કરી હતી. તેમજ બોગસ દસ્તાવેજના આધારે જેઓએ અમદાવાદ, કોલકત્તા, મુંબઈ, દિલ્હી જેવા વિવિધ શહેરોમાં પ્રવાસ કરેલાના અને ફાઈવ સ્ટાર હોટલોમાં રોકાયેલા ખોટા વાઉચરો અને બિલો અને હુકમો બનાવી અને જેનો ખરા તરીકે ઉપયોગ કરી પ્રાથમિક શાળા બાકોર અને તાલુકા પંચાયત બાકોરમાં રજીસ્ટર જે દસ્તાવેજો ખોટા હોવાનુ જાણવા છતાં વ્યવસ્થિત ગુનાહિત કાવતરૂ રચી જે આધારે સરકાર પાસેથી ભથ્થાના રૂ.1,48,803/-ની ઉચાપત કરી સરકાર સાથે વિશ્ર્વાસધાત અને ઠગાઈ કરી ગુનો કરતા બાકોર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જેની પોલીસે તપાસ કરતા આરોપી વિરુદ્ધ પુરતો પુરાવો હોવાનુ જણાઈ આવતા ચાર્જશીટ અદાલત સમક્ષ રજુ કર્યુ હતુ. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ વાય.એસ.ગોસાઈએ 31 મોૈખિક અને 101 દસ્તાવેજી પુરાવાઓ રજુ કરેલ હતા. ફરિયાદ પક્ષે સરકારી વકીલ વાય.એસ.ગોસાઈની દલીલોને ઘ્યાનમાં રાખી મહિસાગર એડિ.ચીફ.જયુડિ.મેજીસ્ટ્રેટ પી.સી.સોની સાહેબે ક્રિમીનલ પ્રોસીઝર કોડ અને ઈપીકો કલમ હેઠળ તકસીરવાન ઠેરવી આરોપી જગદીશચંદ્ર ઉર્ફે ભીખાભાઈ નાથાલાલ ત્રિવેદીને પાંચ વર્ષની સાદી કેદ તથા દંડનો હુકમ કર્યો હતો.