મહીસાગર જીલ્લામાં 85 વર્ષથી વધુ વયના 123 મતદારો અને 35 દિવ્યાંગ મતદારોના નિવાસ સ્થાને જઈ જીલ્લા ચૂંટણીતંત્ર દ્વારા પોસ્ટલ બેલેટથી ઘરે બેઠા મતદાન કરાવશે

  • જીલ્લાના નાગરિકોને અચૂક મતદાન કરી લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર સહભાગી થવાનો સંદેશો આપતા વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારો.
  • સંપૂર્ણ ગુપ્તતા જળવાય એવી પ્રક્રિયા થકી ચૂંટણી તંત્રના અધિકારીઓ-કર્મચારીઓએ ઘરે-ઘરે જઈને મત મેળવી રહ્યા છે.

મહીસાગર,લોકસભાની સામાન્ય ચૂંટણી આગામી સમયમાં યોજાનાર છે ત્યારે મહીસાગર જીલ્લા ચુંટણી અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ સર્વગ્રાહી કામગીરી હાથ ધરાઈ છે. આ ચૂંટણી પ્રક્રિયામાં સૌથી મહત્ત્વનું પરિબળ એટલે મતદાર અને મતદાન. એવરી વોટ કાઉન્ટ્સના ધ્યેયમંત્ર સાથે મહીસાગર જીલ્લાનું ચૂંટણી તંત્ર વરિષ્ઠ અને દિવ્યાંગ લોકો, જેમના માટે મતદાન મથક સુધી પહોંચીને મતદાન કરવું મુશ્કેલ હોય, તેમને ઘરે બેઠાં મતદાન કરીને લોકશાહીના મહાપર્વમાં સહભાગી થવાની તક આપવામાં આવી રહી છે.

લોકસભા સામાન્ય ચુંટણી-2024 અન્વયે પંચમહાલ સંસદીય મતવિસ્તારમાં અને દાહોદ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ મહીસાગર જીલ્લાની લુણાવાડા,બાલાસિનોર અને સંતરામપુર વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટણીતંત્ર દ્વારા 85 વર્ષથી વધુ વયના નાગરિકો તથા દિવ્યાંગો માટે પોસ્ટલ બેલેટથી મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

સમગ્ર જીલ્લામાં 85 વર્ષથી વધુ 123 વયોવૃદ્ધ મતદાતાઓ જયારે 35 જેટલા દિવ્યાંગ મતદારોના ઘરે જઈ પોસ્ટલ બેલેટથી મતદાન કરાવવામાં આવશે. ચૂંટણી કામગીરીમાં જોડાયેલા અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ કર્મીઓ દ્વારા સમગ્ર કામગીરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી.

લોકસભા સામાન્ય ચુંટણી-2024 ની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે હેતુથી જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા 85 વર્ષથી વધુ વય ધરાવતા નિર્દિષ્ટ મતદાર નાગરિકો માટે ચૂંટણીમાં ઘર આંગણે જ ટપાલ મતપત્રથી મતદાન કરવાની વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી હતી. વયોવૃદ્ધ મતદાતાઓના ઘરે પહોંચેલી ટીમ દ્વારા જે-તે મતદારને મતદાનની સંપૂર્ણ પ્રક્રિયા અંગે સમજાવવામાં આવ્યા. ત્યારબાદ તેમની પાસે મતદાન કરાવવામાં આવ્યું. જેમાં મતદાનની સંપૂર્ણ ગુપ્તતા જાળવવામાં આવી હતી.