મહીસાગર,
વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ-2022 અન્વયે મહીસાગર જિલ્લાની વિધાનસભા માટે ચૂંટણીતંત્ર દ્વારા 80 વર્ષથી વધુ વયના નાગરિકો તથા દિવ્યાંગો માટે પોસ્ટલ બેલેટથી મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
સમગ્ર જિલ્લામાં 80 વર્ષથી વધુ 163 વયોવૃદ્ધ મતદાતાઓ જયારે 43 જેટલા દિવ્યાંગ મતદારોના ઘરે જઈ પોસ્ટલ બેલેટથી મતદાન કરાવવામાં આવ્યું. ચૂંટણી કામગીરીમાં જોડાયેલા અધિકારીઓ, કર્મચારીશ્રીઓ, પોલીસ કર્મીઓ દ્વારા સમગ્ર કામગીરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી.
વિધાનસભા-2022ની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા 80 વર્ષથી વધુ વય ધરાવતા નિર્દિષ્ટ મતદાર નાગરિકો માટે ચૂંટણીમાં ઘર આંગણે જ ટપાલ મતપત્રથી મતદાન કરવાની વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી હતી. વયોવૃદ્ધ મતદાતાઓના ઘરે પહોંચેલી ટીમ દ્વારા જે-તે મતદારને મતદાનની સંપૂર્ણ પ્રક્રિયા અંગે સમજાવવામાં આવ્યા ત્યારબાદ તેમની પાસે મતદાન કરાવવામાં આવ્યું જેમાં મતદાનની સંપૂર્ણ ગુપ્તતા જાળવવામાં આવી હતી.
રોનક ભટ્ટ તેમના દાદી વિશે જણાવતા કહે છે કે તેમની દાદીની ઉંમર 82 વર્ષ છે તેમની દાદીનું નામ નિર્મલાબેન ભટ્ટ કે જેઓ લુણાવાડા તાલુકાના કાંઠા ગામના વતની છે, તેઓને પગમાં ફ્રેક્ચર હોવાથી તેઓ ઘર બહાર મતદાન કરવા જઈ શકે તેમ નથી તેથી ચૂંટણી તંત્ર દ્વારા ઘર બેઠા મતદાનની સુવિધા થકી ઘરે બેઠા જ મતદાન કરી તેમને પોતાની ફરજ બજાવી અને તેમને લોકોને અપીલ કરી હતી કે દરેક લોકોએ વોટ કરી દેશ નિર્માણ માટેની આપણી ફરજ અદા કરવી જોઈએ.