મહીસાગર જિલ્લાના કિસાન માધ્યમિક શાળા ખાતે શિક્ષણ મંત્રીએ રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ કાર્યક્રમમાં લાઈવ જોડાયા

મહીસાગર,

અમદાવાદ સાયન્સ સિટી ખાતે યોજાયેલ રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ કાર્યક્રમ માં આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર કિસાન માધ્યમિક શાળા ખાતેથી લાઈવ માધ્યમથી જોડાયા.

અમદાવાદના સાયન્સ સિટી ખાતે આજથી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસનો આરંભ થયો છે. ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ વિજય નહેરાએ શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરની વર્ચ્યુઅલ હાજરીમાં તેનું ઉદ્ઘાટન કર્યું હતું.

ગુજરાત વિજ્ઞાન અને ટેક્નોલોજી પરિષદ, સાયન્સ સિટી અને સાલ એજ્યુકેશન દ્વારા આ પાંચ દિવસીય કોંગ્રેસનું આયોજન કરવામાં આવ્યું છે. 31મી જાન્યુઆરીએ તેનું સમાપન થશે. બાળ વિજ્ઞાનીઓ, માર્ગદર્શક શિક્ષકો, મૂલ્યાંકનકારો અને સરકારી અધિકારીઓ સહિત 1400 થી વધુ પ્રતિનિધિઓએ આ કોંગ્રેસમાં હાજરી આપી છે. કોંગ્રેસમાં દેશભરમાંથી સાડા આઠસો જેટલા વિદ્યાર્થીઓ તેમના અનોખા પ્રોજેક્ટ્સનું પ્રદર્શન કરશે.

આ પ્રસંગે આદિજાતિ વિકાસ,પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રીશ્રી ડો.કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન બાળકો માટે હંમેશા ચિંતા કરે છે અને તેમની સાથે હંમેશા જોડાવા વિવિધ માધ્યમો દ્વારા પ્રોત્સાહિત કરવાના પ્રયત્ન કરે છે. વડાપ્રધાન આજ રોજ પરીક્ષા પે ચર્ચા સાથે દરેક વિદ્યાર્થીઓ જોડે વાર્તાલાપ કરી રહ્યા છે વડાપ્રધાનશ્રી શિક્ષણનું મહત્વ સમજાવી રહ્યા છે અને પરીક્ષાનું ભાર ઓછું કરવાના પ્રયત્ન કરી રહ્યા છે.

કેબિનેટ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરે વધુમાં જણાવ્યું હતું કે, શાળા અને કોલેજમાં શિક્ષણની ગુણવત્તામાં ધ્યાન અપાઈ રહ્યું છે. નવી શિક્ષણ નીતિ શિક્ષણ જગતમાં ક્રાંતિ લાવવા માટે બધા જ ટીમ વર્કથી કામ કરી રહ્યા છે. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી, સહિત શાળાના બાળકો જોડાયા હતા.